Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

નવલા નોરતાના છેલ્લા દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલીઃ ભાવિકો ભક્‍તિમાં ઓળઘોળ થયા

રાજ્‍ય સરકાર દ્વારા નવતર અભિગમ સાથે મોટી શક્‍તિપીઠોમાં નવરાત્રી મહોત્‍સવ સાથે મહાઆરતી

અંબાજી: આદ્યશકિત આરાઘનાના પર્વ નવરાત્રિના નવમા એટલેકે છેલ્લા નોરતે  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ફરી એકવાર ગરબાની ભારે રમઝટ જોવા મળી છે. રાજ્યભરમાં ગત વર્ષે ગરબા મુલત્વી રહ્યા હતા ને ચાલુ વર્ષે પણ મોટી પાર્ટી પ્લોટોમાં ને મોટા મંદિરોમાં ગરબા બંધ રાખવામાં આવ્યા હતા. અને શેરીને સોસાયટીઓમાં સરકારની એસઓપી પ્રમાણે મંજુરી અપાઈ હતી. સાથે રાજ્ય સરકારના નવતર અભિગમ પ્રમાણે મોટા શક્તિપીઠોમાં નવરાત્રિ મહોત્સવનુ સાથે મહાઆરતીનુ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેને લઈ ગત રાત્રિએ નવમાને છેલ્લે નોરતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવી હતી.

રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ગુજરાત યાત્રાધામ અને પ્રવાસન વિભાગ દ્વારા નવરાત્રિ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર (Ambaji) ના ચાચર ચોકમાં શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ દિપ પ્રાગટ્ય કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રીએ રાજ્યના નાગરિકોને નવરાત્રિ પર્વની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, મા અંબાની કૃપાથી આપણા ગુજરાત અને સમગ્ર દેશમાં સુખ-સમૃદ્ધિ પથરાય તથા આપણું રાજ્ય ઉત્તરોતર પ્રગતિના સોપાન સર કરે તેવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તેમણે જણાવ્યું કે, નવરાત્રિના આનંદ-ઉલ્લાસના આ પર્વની જેમ આપણા સૌના જીવનમાં સુખ-સમૃધ્ધિ પથરાય તથા માતાજી સૌને તંદુરસ્ત, દીર્ઘઆયુષ્ય આપે તેવી માતાજીને પ્રાર્થના કરીએ. શકિત, ભક્તિના આ પાવન પર્વે માતાજી આપણને સૌને શકિત આપે તથા ગુજરાતની ઇચ્છા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ માતાજી પુર્ણ કરે તેવી માતાજીને પ્રાર્થના કરીએ.

જોકે નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અમદાવાદના ખેલૈયાઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં માઈભક્તો ભક્તિ રસમા તરબોળ બની ગરબે રમ્યા હતા. એટલુ જ નહિ, માં અંબેના ચાચર ચોકમાં ગરબાની મોજ માણી ખુશી વ્યક્ત કરી હતી.

જોકે ગરબાના અંતે માતાજીના ચાચર ચોકમાં મહાઆરતી પણ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રેખાબેન ખાણેસા, ગુજરાત પ્રવાસન નિગમના એમ.ડી. જેનુ દેવન, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે તેમજ મોટી સંખ્યામા માઈભક્તો જોડાયા હતાં.

(4:50 pm IST)