Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

હિંમતનગરના ધનાઢય કુટુંબના ભાઇ-બહેન ૨૯મીએ જૈન દીક્ષા અંગીકાર કરશે

હિમંતનગર, તા.૧૫: જૈન ધર્મમાં દિક્ષાને સર્વોચ્ચ માનવામાં આવે છે ત્યારે હિમંતનગરના ધનાઢય પરિવાર ભંડારી કુટુંબના ભાઇ-બહેન વૈરાગ્યના રસ્તે ચાલી નીકળ્યા છે. બધી સુખ સુવીધાનો ત્યાગ કરી તા.૨૯ના રોજ સુરત ખાતે દીક્ષા અંગીકાર કરશે.

જૈન સમાજના ૭૪મા મુમુક્ષુ  રત્નોના દીક્ષા ગ્રહણ સમારોહમાં વિશ્વા ભંડારી (૧૯) તથા ભવ્ય ભંડારી (૧૬) ભૌતિકતાને તિલાંજલી આપી સંયમ પંથે ચાલી નીકળશે. દિક્ષા સમારોહ પૂ.મુકિતપ્રભ સૂરીશ્વર મહારાજ, પૂ.યોગ તિલક સૂરીશ્વર મહારાજ, પૂ.તપોવન સૂરીશ્વર મહારાજની નિશ્રામાં યોજાનાર છે.

વિશ્વા કુમારીને નાનપણથી જ ધર્મ-કર્મ ક્ષેત્રમાં વિશેષ રૂચી હતી. તેમનો અનુભવ છે કે દુનિયામાં એટલી શાંતિ નથી જેટલી તપસ્યાના માર્ગમાં છે. ભૌતિક સુખ સુવીધા વિના લોકો સુખી રહી શકે છે. જયારે ભવ્ય ભંડારીનું માનવું છે સંન્યાસીના માર્ગે પાપનું કોઇ સ્થાન નથી.

(12:06 pm IST)