Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ટ્રકોના ભાડામાં ૧૫ ટકા સુધીનો વધારો થયો : ડીઝલ કારણભૂત

બાયોડીઝલ પર સરકારે ધોંસ વધારતા ડીઝલનો વપરાશ વધ્‍યો, લાંબા રૂટના ભાડામાં રૂા.૧ હજાર સુધીનો વધારો

અમદાવાદ,તા.૧૫: પેટ્રોલ-ડિઝલના ભાવો આસમાને પહોચ્‍યાં છે જેના કારણે ટ્રાન્‍સપોર્ટ વ્‍યવસાય પર સીધી અસર થઇ છે. ડીઝલના સતત  ભાવવધારાને કારણે ટ્રાન્‍સપોર્ટરોએ ટ્રકના ભાડામાં ૧૫ ટકા સુધીનો ભાવવધારો કર્યો છે.
દિવાળીના તહેવારો નજીક છે ત્‍યારે ટ્રાન્‍સપોર્ટરોના ધંધામાં માંડ તેજી આવી હતી ત્‍યાં ડિઝલના ભાવ વધારાએ અડચણો ઉભી કરી છે. ડિઝલ ઉપરાંત ટ્રકના ભાડા વધતાં અન્‍ય ચીજવસ્‍તુઓના પણ ભાવ વધી શકે છે.
કોરોનાકાળમાં લોકડાઉનને પગલે ટ્રાન્‍સપોર્ટસ ઉદ્યોગ ઠપ પડયો હતો. આ ઉપરાંત ટન્‍સપોર્ટરોનું કહેવુ છેકે, લોકડાઉનમાં માત્ર મજૂરો જ નહીં, મોટાભાગના ડ્રાઇવરો પણ વતન પરત ફર્યા હતાં.
ટ્રક ડ્રાઇવરો રાજસ્‍થાન, બિહાર, યુપી અને નેપાળ ગયા બાંદ હજુ સુધી ગુજરાત પરત ફર્યા નથી જેથી ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગમાં ડ્રાઇવરની અછત સર્જાઇ રહી છે.  હજુ તો આ પ્રશ્ન ટ્રાન્‍સપોર્ટરોને સતાવી રહ્યો હતો ત્‍યા ડિઝલના ભાવ વધારાને લીધે ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગની ચિંતા વધી છે.
ડિઝલ એ ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગની કરોડરજ્જૂ છે ત્‍યારે હવે ડિઝલનો ભાવ સેન્‍ચુરી વટાવી ચૂક્‍યો છે તે ભાવ પોષાય તેમ નથી. અત્‍યાર સુધી તો કેટલાંય ટ્રાન્‍સપોર્ટરો બાયોડિઝલનો પાછલા બારણે ઉપયોગ કરી રહ્યા હતાં પણ સરકારે બાયોડિઝલના ગેરકાયદેસર વેચાણ પર ધોસ વધારી છે જેના કારણે નાછુટકે ડિઝલનો વપરાશ કરવો પડે છે.
ડિઝલના ભાવ વધતા  ટ્રાન્‍સપોર્ટરોએ લાંબા રૂટના ભાડામાં એકથી દોઢ હજાર સુધી ભાવવધારો કર્યો છે. અમદાવાદથી સુરત, જામનગર, વડોદરા, ગાંધીધામ, વડોદરા, વાપી સહિતના રૂટ પર આઇશર ટ્રકના ભાડામાં ૧૫ ટકા સુધીનો ભાવ વધારો કરી દેવાયો છે.
કોરોના બાદ હવે અર્થતંત્રની ગાડી માંડ પાટા પર ચડી છે ત્‍યારે ડીઝલના ભાવવધારાએ ટ્રાન્‍સપોર્ટરોની દિવાળી બગાડી છે. જાણકારોનું કહેવુ છેકે, ડિઝલ ઉપરાંત ટ્રકના ભાડા વધતાં હવે તેની અન્‍ય વ્‍યવસાય પર પણ અસર પહોચી શકે છે.
રેતી-કપચીના ટ્રકોના ભાડામાં તો ૨૦ ટકા સુધીનો વધારો નોધાયો છે. આમ, ટ્રકભાડા વધતાં અન્‍ય ચીજવસ્‍તુઓના ભાવ પણ વધી શકે છે જેના કારણે આમજનતાના ખિસ્‍સા પર આર્થિક ભાર વધે તેવી શક્‍યતા જોવાઇ રહી છે.
કયા રૂટ પર ટ્રક ભાડું કેટલુ વધ્‍યું
રૂટ     પહેલાનું ભાડું    અત્‍યારનું ભાડુ
અમદાવાદથી સુરત    રૂા. ૭૫૦૦    રૂા.૮૫૦૦
અમદાવાદથી રાજકોટ    રૂા.૫૫૦૦    રૂા. ૬૨૦૦
અમદાવાદથી વડોદરા    રૂા.૫૦૦૦    રૂા.૫૭૦૦
અમદાવાદથી વાપી     રૂા. ૯૦૦૦    રૂા.૧૦,૫૦૦
અમદાવાદથી જામનગર    રૂા. ૭૦૦૦    રૂા.૮૦૦૦
અમદાવાદથી ગાંધીધામ    રૂા.૮૦૦૦     રૂા.૯૦૦૦




 

(10:28 am IST)