Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ગાંધીનગર જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે દોડધામ હાથ ધરી:લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ

ગાંધીનગર: જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર લકઝરી બસમાં મુસાફરના સ્વાંગમાં ખેપિયાઓ દ્વારા દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે રાજસ્થાનના બે શખ્સોને ચંદ્રાલા પાસે લકઝરી બસમાંથી વિદેશી દારૂના ૧૯ર જેટલા કેડ્રા પેક સાથે ઝડપી પાડયા હતા અને તેમની સામે પ્રોહીબીશન એકટનો ગુનો નોંધી ૧પ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  

રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. હાઈવે માર્ગો ઉપર પોલીસનું વાહનચેકીંગ વધવાના કારણે દારૂ ભરેલા મોટા વાહનોમાં હેરાફેરી ઓછી કરાઈ છે પરંતુ પોલીસને ચકમો આપવા માટે રાજસ્થાન તરફથી આવતી ખાનગી કે સરકારી બસોમાં મુસાફરના સ્વાંગમાં દારૂની હેરાફેરી કરતાં ખેપિયાઓ વધી ગયા છે ત્યારે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર પોલીસ દ્વારા આવી ખાનગી લકઝરી બસોમાં સતત ચેકીંગ કરવામાં આવતું હોય છે જેમાં મુસાફરોના સ્વાંગમાં દારૂની હેરફેર કરતાં ખેપિયાઓ પણ પકડાઈ રહયા છે. ગઈકાલે પણ ચિલોડા પોલીસની ટીમ વાહનચેકીંગમાં હતી તે દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી આરજે-ર૭-પીએ-૭૨૪૬ નંબરની લકઝરી બસને  ઉભી રખાવી  હતી અને તેમાં તપાસ કરતાં ઓમપ્રકાશ લક્ષ્મણદાસ અને દિપક બાબુલાલ ઈસરાની નામના રાજસ્થાનના બે મુસાફરો પાસેથી વિદેશી દારૂના ૧૯ર  કેડ્રા પેક મળી આવ્યા હતા. દારૂ અને ફોન મળી ૧પ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આ દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા દોડધામ શરૂ કરાઈ છે.

(5:37 pm IST)