Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાને કારણે ૩ વર્ષમાં ૨૧૮ થયા અકસ્માત

૨૦૧૯માં દર સપ્તાહે દારૂ પીને એક અકસ્માતની ઘટના બની

નવી દિલ્હી,તા.૧૫: દારૂબંધીવાળા ગાંધીના ગુજરાતમાં દારૂ પીને વાહન ચલાવવાના કારણે અથવા તો દારૂ અને નશાના સેવનના લીધે ત્રણ વર્ષમાં ૨૧૮ અકસ્માતની દુર્ઘટના બની છે. વર્ષ ૨૦૧૭માં દારૂ પીને ડ્રાઇવ કરવાના કારણે ગુજરાતમાં ૬૫ અકસ્માત થયા હતા.

એ જ રીતે વર્ષ ૨૦૧૮માં ૧૦૬ અને વર્ષ ૨૦૧૯માં ૪૭ એમ ત્રણ વર્ષમાં ૨૧૮ અકસ્માત થયા છે. વર્ષ ૨૦૧૯માં ગુજરાતમાં દર સપ્તાહે દારૂ પીને એક અકસ્માતની ઘટના બની છે. કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે સોમવારે વિધિવત્ રીતે આ માહિતી પૂરી પાડી છે.

ગુજરાત સરકાર દારૂબંધી હોવાની વાહવાહી લૂંટે છે પરંતુ હકીકતે દારૂબંધીનો કડક અમલ થતો નથી. કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ ૨૦૧૯માં ૧૨,૨૫૬ અકસ્માત દારૂ પીને વાહન ચલાવવાના કારણે થયા છે, આ મામલે ઉત્ત્।રપ્રદેશ દેશમાં અવ્વલ સ્થાને છે, ઉત્ત્।રપ્રદેશમાં વર્ષ ૨૦૧૯માં ૪,૪૯૬ અકસ્માત સર્જાયા છે.

પંજાબમાં ૧,૨૯૦, ઓડિશા ૧,૦૬૮, તામિલનાડુ ૧૦૪૭, મધ્યપ્રદેશમાં ૧,૦૩૦ અકસ્માતો થયા છે. મહત્ત્વનું છે કે, દેશમાં વર્ષ ૨૦૧૭માં ૧૪,૦૭૧ અને વર્ષ ૨૦૧૮માં ૧૨,૦૧૮ અકસ્માતની ઘટના દારૂ પીને વાહન ચલાવવાના કારણે થઈ હતી.

સરકાર દ્વારા દાવો કરાયો છે કે, દારૂ પીને વાહન ચલાવવા પર રોક લગાવવા માટે જેલ અથવા તો દંડની સજા અથવા બંને જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પ્રચાર માધ્યમો દ્વારા જાગ્રતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. દારૂ પીધો છે કે કેમ તેની ચકાસણી માટે વિશિષ્ટ સાધનોની ખરીદી કરવા રાજયોને કેન્દ્ર દ્વારા નાણાકીય સહાય પણ અપાય છે.

(11:47 am IST)