Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સુરતના યુવકે પોતાની કારને 2 લાખના ખર્ચે તિરંગાની થીમમાં રંગી નાંખી એટલુ જ નહિ, આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો

હર ઘર તિરંગા અભિયાનથી હાલ આખો દેશ તિરંગાના રંગે રંગાયો છે. ઘર, ઓફિસ, ઈમારતો, વાહનો પર જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ચારે તરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે

સુરતઃ હર ઘર તિરંગા અભિયાનથી હાલ આખો દેશ તિરંગાના રંગે રંગાયો છે. ઘર, ઓફિસ, ઈમારતો, વાહનો પર જ્યાં જુઓ ત્યાં તિરંગો લહેરાઈ રહ્યો છે. ચારે તરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ છે. દેશભક્તિના રંગો ચોતરફ ફેલાયા છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી હર ઘર તિરંગાનું જશ્ન મનાવાઈ રહ્યું છે. ત્યારે ગુજરાતના એક યુવકે એવુ કર્યું કે તેની વાહવાહી ચારેતરફ થઈ. સુરતના એક યુવકે પોતાની કારને 2 લાખના ખર્ચે તિરંગાની થીમમાં રંગી નાંખી. એટલુ જ નહિ, આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો.

સુરતના યુવક સિદ્ધાર્થ દોશી પર દેશભક્તિનો રંગ એવો ચઢ્યો કે, જેના વિશે જાણીને તમને ગર્વ થશે. સિદ્ધાર્થ દોશીએ 2 લાખના ખર્ચે પોતાની કારને તિરંગના રંગે રંગી નાંખી. આ કાર લઈને તે દિલ્હી પહોંચ્યો, જ્યાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા માંગે છે. 

સિદ્ધાર્થે દેશભક્તિ બતાવવા કાર પાછળ 2 લાખનો ખર્ચો કર્યો છે. તે જાતે કાર ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો છે. ત્યારે દિલ્હીમાં પહોંચેલી દેશભક્તિની ગાડી દિલ્હીવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. તો અનેક લોકોએ આ કાર સાથે સેલ્ફી લીધી.

 દેશભક્તિ વિશે તે કહે છે કે, મારો હેતુ લોકોને હર ઘર તિરંગા અભિયાન હેઠળ જાગૃત કરવાનો છે, તેથી હું બે દિવસમાં ગાડી ચલાવીને સુરતથી દિલ્હી પહોંચ્યો. મને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને મળવાની ઈચ્છા છે.

દિલ્હીના વિજય ચોકમાં કાર લઈને પહોંચેલા સિદ્ધાર્થે લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી હતી. ત્યારે હવે સિદ્ધાર્થની આ દેશભક્તિ સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. 

(12:30 pm IST)