Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સોમવારથી બનાસકાંઠા જિલ્લામાં ડિપ્થેરીયા રોગને અટકાવવા રસીકરણ અભિયાન શરૂ

16 વર્ષ સુધીના અંદાજે 5 લાખ જેટલાં બાળકોને રસી અપાશે : શિક્ષણ અને આરોગ્ય વિભાગ રસીકરણ ઝુંબેશમાં સંયુક્ત રીતે કરશે કામ

બનાસકાંઠા માં બાળકોમાં થતાં ડિપ્થેરીયા નામના રોગને અટકાવવા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરાશે. જેમાં 16 વર્ષ સુધીના અંદાજે 5 લાખ જેટલાં બાળકોને આગામી તા. 19 જુલાઇને  સોમવારથી ડિપ્થેપરીયા રસી આપવાનું શરૂ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ ડિપ્થેરીયા નામના રોગે હાહાકાર મચાવ્યો હતો. જેમાં વર્ષ-૨૦૧૯ માં ડિપ્થેેરીયાના 377 કેસ સામે આવ્યા હતાં. તેમાંથી 17 બાળકોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતાં. ત્યાર બાદ વર્ષ-2020માં 71 કેસ સામે આવ્યાં હતાં. જેમાંથી 10 બાળકોના મૃત્યું થયાં હતાં. આ વર્ષે અત્યાર સુધીમાં ડિપ્થેિરીયાના 24 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 3 કમનસીબ બાળકોના મૃત્યું થયાં છે. ત્યારે ડિપ્થેરીયાના આ રોગથી એક પણ બાળકનું મોત ન થાય તે માટે આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમોને સજ્જ કરી રસીકરણનું મહાઅભિયાન હાથ ધરવામાં આવશે.

ડિપ્થેરીયા રસીકરણ માટે તારીખ 19 મી જુલાઇ-2021ના રોજ ધોરણ-1 અને 2, તા. 20 મી ધોરણ-3, તા.22 મી ધોરણ-4, તા.23 મી ધોરણ-5, તા. 26 મી ધોરણ-6, તા. 27 મી ધોરણ-7, તા. 29 ધોરણ- 8, તા. 30 મી ધોરણ-9 તથા તા. 31 જુલાઇએ ધોરણ-10 માં અભ્યાસ કરતાં બાળકો અને ૧૬ વર્ષથી નાના તમામ બાળકોને શાળામાં બોલાવી રસીકરણમાં આવરી લેવાશે. આ રસીકરણ મહાઅભિયાન માં શિક્ષણ અને આરોગ્ય વિભાગના 16 હજાર જેટલાં કર્મચારીઓ જોડાશે.

ડિપ્થેરીયાના રસીકરણ અભિયાન મામલે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે જણાવ્યું હતું કે તમામ બાળકોના વાલીઓને અપીલ કરૂં છું કે તમારા બાળકની સુરક્ષિત અને સલામત જિંદગી માટે ડિપ્થેરીયાની રસી અવશ્ય મુકાવો. ડીપ્થેરીયા રોગ થી રસી મેળવવા માટે રક્ષણ મેળવવા માટે રસી લેવી અગત્યની છે જેથી જિલ્લાના તમામ બાળકોના માતા-પિતા ને અપીલ કરું છું કે રસીકરણ અભિયાન માં તમામ લોકો જોડાય અને બાળકોને રસી મુકાવી ડિપ્થેરીયા સામે રક્ષણ અપાવે.

(8:03 pm IST)