Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મહારાષ્ટ્રની ખેલાડી પર હરિયાણાના ખેલાડીનું દુષ્કર્મ

યુવતી ગાંધીનગર તાલીમ માટે આવી હતી : સગીરાએ તેના વતન અમરાવતીમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવ્યા બાદ તે ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી

ગાંધીનગર, તા.૧૫ : ગાંધીનગરના સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયાના તાલીમ કેન્દ્રમાં તાલીમ લઇ રહેલ મહિલા ખેલાડીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ગાંધીનગરમાં હેન્ડ બોલની તાલીમ અર્થે આવેલી મહારાષ્ટ્રની ૧૬ વર્ષીય ખેલાડીએ પોતાની સાથે હરિયાણાના ૨૦ વર્ષીય ખેલાડીએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરી છે. તેણે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

મહારાષ્ટ્રના અમરાવતીની ૧૬ વર્ષીય હેન્ડબોલની સ્ટેટ લેવલની ખેલાડી ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ઇન્ડિયા ખાતે ટ્રેઈનિંગ માટે આવી હતી. વર્ષ ૨૦૧૯ થી જાન્યુઆરી વર્ષ ૨૦૨૧ સુધી તેની ટ્રેનિંગ હતી. ત્યારે મહિના સુધી ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરિટી સંકુલમાં રોકાઈ હતી.

દરમિયાન તેનો સંપર્ક હરિયાણાના રવિ નામના પ્લેયર સાથે થયો હતો. જે પણ ગાંધીનગરમાં ટ્રેનિંગ માટે આવ્યો હતો. બંને વચ્ચે વાતચીતથી વાત વધી હતી. તેના બાદ રવિએ સગીર વયની કિશોરીને પોતાના માયાજાળમાં ફસાવી હતી. તેણે કિશોરીને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

ગાંધીનગરના એક ગેસ્ટ હાઉસમાં રવિએ કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આવુ તેણે ત્રણવાર કર્યું હતું. તેના બાદ બંને પોતાના વતનમા જતા રહ્યા હતા. પરંતુ બંને વચ્ચે ટેલિફોનિક સંપર્ક ચાલુ રહ્યો હતો. દરમિયાન કિશોરીના ઘરે તેના પ્રેમ પ્રકરણ વિશે જાણ થઈ હતી. જેના બાદ તેના માતાપિતાએ અમરાવતી પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ગાંધીનગર સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. મામલે ગાંધીનગર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(7:27 pm IST)