Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સુરતની જેલમાંથી અલ્‍પેશ કથીરીયા મુક્‍તઃ હાર્દિક પટેલ, ધાર્મિક માલવિયા, દિનેશ બાંભણીયા સહિત પાટીદાર આગેવાનો-કાર્યકરો દ્વારા ભવ્‍ય સ્‍વાગતઃ સરકાર ખોટા કેસ કરીને માણસોને દબાવીને હેરાન કરે છેઃ હાર્દિક પટેલના પ્રહારો

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાયોટિંગના કેસમાં પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરીયાના જામીન મંજૂર કર્યા છે. શરતોને આધીન કોર્ટે જામીન આપ્યા છે. ત્યારે પાંચ મહિનાના જેલવાસ બાદ અલ્પેશ કથીરિયા મુક્ત થયા છે. લાજપોર જેલમાંથી તેમની પાંચ મહિના બાદ મુક્તિ થઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ખુદ જૂના આંદોલનકારી મિત્રને આવકારવા પહોંચ્યા હતા. તો બીજી તરફ, જેલુક્ત અલ્પેશનું પરિવાર અને મિત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું છે.

સુરતમાં કોર્પોરેશન ચૂંટણી સમયે અલ્પેશ કથીરિયા સામે ગુનો નોંધાયો હતો. ત્યારે પાંચ મહિના સુધી અલ્પેશ કથીરિયા સુરતની લાજપોર જેલમાં હતા. ત્યારે આજે જામીન મળવાના સમાચારથી અલ્પેશ કથીરિયાના ઘરે ખુશીનો માહોલ છવાયો હતો. ધાર્મિક માલવિયા, PAAS નેતા દિનેશ બાંભણિયા અને મોટી સંખ્યામાં પાટીદાર કાર્યકર્તાઓ પણ અલ્પેશના સ્વાગત માટે જેલ બહાર પહોંચ્યા હતા.

જેલની બહાર અલ્પેશના સ્વાગત માટે પહોંચેલા હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, અલ્પેશના સ્વાગત માટે અને તેનો ઉત્સાહ વધારવા માટે અમે સૌ મિત્રો અહી હાજર છે. સરકાર સત્તાનો ખોટો દુરુપયોગ કરીને નિર્દોષ માણસોને જેલમાં ન મોકલે. જેથી રાજ્યનું વાતાવરણ ન બગડે, અને લોકોનો સત્તા પરનો ભરોસો પણ ન ઉઠે. સરકાર ખોટા કેસ કરીને માણસોને દબાવીને હેરાન કરે છે. તંદુરસ્ત લોકતંત્રમાં દરેકને સત્તા વિરુદ્ધ બોલવાનો અધિકાર છે. અલ્પેશ લાંબા સમયથી જનતાનો અવાજ બનવાનો પ્રયાસ કરે છે.

તો બીજી તરફ, હાર્દિક પટેલે આ ખુશીને સોશિયલ મીડિયા પર વ્યક્ત કરતા કહ્યું હતું કે, આંદોલનના સાથી ભાઈ અલ્પેશ કથિરિયાને જામીન મળ્યા છે. સત્યમેવ જયતે. સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી આંદોલનકારી ભાઈ અલ્પેશ કથીરિયાની મુક્તિ થઇ રહી છે, ભાઈ અલ્પેશના સ્વાગત માટે સવાર ૯:૩૦ કલાકે જેલ બહાર હું હાજર રહીશ. ઇન્કલાબ જિંદાબાદ.

(4:29 pm IST)