Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

વડોદરાના ખોડિયારનગરમાં વલ્લભ જ્‍વેલર્સમાં 1.40 લાખના દાગીનાની લૂંટ કરનારા ઝડપાયાઃ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર જોઇને લૂંટનો પ્‍લાન બનાવ્‍યો હતો

વડોદરા: વડોદરામાં ખોડીયાર નગરમાં આવેલી વલ્લભ જ્વેલર્સના માલિક રોનકભાઇ મહેશભાઇ સોનીની આંખમાં લૂંટારાએ મરચાની ભૂકી નાંખી શો રૂમના ડીસ્પ્લેમાં મુકેલી રૂપિયા 1.40 લાખની કિંમતની 30 ગ્રામની સોનાની ત્રણ ચેઇન લૂંટી બાઇક ઉપર ફરાર થઇ ગયા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

વડોદરામાં ધોળા દિવસે ફિલ્મીઢબે બનેલા લૂંટના બનાવથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠ્યા હતા, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે લૂંટમાં સામેલ 4 શખ્સોની ધરપકડ કરી છે. જ્વેલર્સના શોરૂમમાંથી લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારૂ શોરૂમ સ્થિત સી.સી. ટી.વી. કેમેરામાં કેદ થઇ ગયા હતા. જેના આધારે બાપોદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી. તેવામાં ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે લૂંટના આરોપી અમદાવાદથી સુરત જતાં હાઈવે રોડ પર ગોલ્ડન ચોકડીથી નીકળવાના છે જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીઓ આવતા તેમને દબોચી લીધા છે.

ક્રાઈમ બ્રાન્ચે વડોદરામાં જ રહેતા પ્રિન્કેશ પરમાર, અક્ષિત ચાવડા, મયંક પરમાર અને કૌસ્તુભ કીનેકરની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે ઈન્સ્ટાગ્રામ ઉપર જ્વેલર્સમાં લૂંટની સ્ટોરી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે ચારેય આરોપીઓ પાસેથી સોનાની ત્રણ ચેઈન સહિત 2 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડીસીપી ક્રાઈમ જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની તપાસ કરતા હતા, તે સમયે બાતમી મળતા આરોપીઓને પકડી પાડયા છે. આરોપીઓએ આ સિવાય અન્ય કોઈ લૂંટને પણ અંજામ આપ્યો છે કે નહીં તે દિશામાં વધુ તપાસ કરી રહ્યા છે.

(4:27 pm IST)