Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સરકારને ઝટકો આપતો હાઇકોર્ટનો ચુકાદો

સરકારી કર્મચારીનો પ્રોબેશનનો સમયગાળો મહત્તમ મર્યાદાથી વધારી નહીં શકાય

અમદાવાદ તા. ૧૫ : સર્વિસ લો પ્રમાણે સરકારી કર્મચારીનો પ્રોબેશનનો સમયગાળો મહત્તમ મર્યાદાથી વધારે લંબાવી શકાય નહીં. સામાજિક ન્યાય અને સશકિતકરણ વિભાગમાં વર્ગ-૨ અધિકારી તરીકે નિયુકિત પામેલા અધિકારીને છ વર્ષ સુધી પ્રોબેશન પર રાખી બરતરફ કરવામાં આવતા હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેમાં સિંગલ જજ અને ત્યારબાદ ડિવીઝન બેન્ચે પણ બરતરફીનો આદેશ રદ કર્યો છે અને ઠેરવ્યું છે કે પ્રોબેશનનો મહત્ત્।મ સમયગાળો પસાર થઇ જાય ત્યારબાદ કર્મચારીને કાયમી જ ગણવાનો રહે છે.

આ કેસની વિગત એવી છે કે સમાજીક ન્યાય અને સશકિતકરણ વિભાગમાં અરજદારની નિમણૂક વર્ગ-૨ અધિકારી તરીકે કરવામાં આવી હતી. ગુજરાત સિવિલ સર્વિલ રૂલ પ્રમાણે તેને બે વર્ષનું પ્રોબેશન આપવામાં આવ્યું હતું અને આ સમયગાળામાં તેને ખાતાકીય પરીક્ષા પાસ કરવાની હતી. બે વર્ષના સમયગાળામાં તેણે પરીક્ષા પાસ ન કરી શકતા પ્રોબેશન બે વર્ષ માટે લંબાવવામાં આવ્યું હતું અને આ સમયમાં તેણે ખાતાકીય પરીક્ષા પાસ કરી હતી. બીજું પ્રોબેશન ૨૦૦૬માં પૂર્ણ થયા બાદ સમયાંતરે આદેશો જારી કરી પ્રોબેશનનો સમયગાળો વધારવામાં આવ્યો હતો અને છેલ્લે સપ્ટેમ્બર- ૨૦૦૮માં તેની બરતરફીનો આદેશ કરાયો હતો.

જેથી અરજદાર અધિકારીએ હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ પિટિશન કરી હતી. સિંગલ જજે બરતરફીનો આદેશ રદ કરતા સરકારે ડિવીઝન બેન્ચમાં અપીલ કરી હતી. જેમાં સરકારે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠ સમક્ષ રજૂઆત કરી હતી કે અરજદારની વર્તણૂક સારી ન હોવાથી તેને બરતરફ કરવામાં આવ્યા છે.

જો કે ડિવીઝન બેન્ચે નોંધ્યું છે કે વર્તણૂક સારી ન હોય તો પ્રોબેશનના નિયત સમયગાળા બાદ સરકાર બરતરફીનો આદેશ કરી શકી હોત, પરંતુ અહીં સરકારે પ્રોબેશનને મહત્તમ મર્યાદાથી પણ વધારે લંબાવ્યું છે. તેથી સિંગલ જજે બરતરફીનો આદેશ આપી યોગ્ય રીતે આપ્યો હોવાનું ઠેરવી સરકારની અપીલ ફગાવી છે.

(4:10 pm IST)