Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઓલિમ્પિકમાં ભાગ લેનાર ગુજરાતની ૬ દીકરીઓને રાજય સરકાર દ્વારા ૧૦-૧૦ લાખની સહાય

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મહિલા ખેલાડીઓ માટે પ્રોત્સાહક નિર્ણય

રાજકોટઃ ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે.  તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નારીશકિત – મહિલા ખેલાડીઓની પસંદગી થઇ છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની નારીશકિતની સ્પોર્ટ્સ ક્ષેત્રે આ વૈશ્વિક સિધ્ધિને પ્રોત્સાહિત કરતા ઓલમ્પિક રમતોમાં ભાગ લેવા પસંદ થયેલી ગુજરાતની છ દિકરીઓને પ્રત્યેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતની આ છ દિકરીઓ જેમને  પ્રત્યેકને આ ૧૦  લાખ રૂપિયાની સહાય મળશે  તે માના પટેલ સ્વિમિંગમાં, એલાવેનિલ વાલારિવન શૂટિંગમાં, અંકિતા રૈના ટેનીસમાં, સોનલ પટેલ તથા ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસમાં અને પારુલ પરમાર પેરા બેડમિન્ટન રમતમાં ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિક ખાતે વિશ્વના અન્ય દેશના ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરશે.

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આ છ પ્રતિભાવંત મહિલા ખેલાડીઓને દરેકને રૂ. ૧૦ લાખની નાણાકીય સહાય આપવા સાથે આગામી ટોક્યો ઓલમ્પિક-પેરા ઓલમ્પિકમાં આ દિકરીઓ ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.

(4:08 pm IST)