Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

અલ્પેશ કથીરિયાના જેલ મુક્ત થયા બાદ રાજકરણ ગરમાયું

હાર્દિક પટેલ અને ગીતા પટેલ પણ સ્વાગત માટે લાજપોર જેલ હાજર રહ્યા :અનેક રાજકીય પાર્ટીના નેતાઓ અને આંદોલનકારી મિત્રો પહોંચ્યા

સુરત :  પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા જેલ મુક્ત થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

 અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે આગળની રણનીતિ ઘડવામાં આવશે અને સમાજના આગેવાનો સાથે મહત્વની બેઠક કરીને તેમાં અગત્યના નિર્ણયો લેવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયા છેલ્લા કેટલાક સમયથી જેલમાં હતા. ત્યારે આજે તેઓ મુક્ત થયા છે ત્યારે તેમને મળવા માટે અનેક રાજકીય પાર્ટીના નેતાઓ અને આંદોલન કારી મિત્રો તેમને મળવા પહોચી ગયા હતા. સાથે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલ અને કોંગેસ પાર્ટીના મહિલા આગેવાન ગીતા પટેલ પણ તેમના સ્વાગત માટે લાજપોર જેલ હાજર રહ્યા હતા.

   અલ્પેશ કથીરિયાએ કહ્યું છે કે, ઘણા સમય બાદ બહાર આવ્યો.છું ત્યારે હવે આગામી સમયમાં સામાજિક કામ અંગે રણનીતિ ઘડીશું અને તેમણે તમામ સમર્થકોનો આભાર માન્યો હતો. અલ્પેશ કથીરિયાના લાજપોર જેલમાંથી મુક્ત થયા બાદ તેમના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પણ આવ્યા હતા અને તેમનું સ્વાગત કર્યું હતું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલ, સ્વાતી કયાડા અને ડૉ.કિશોર રૂપારેલીયા પણ તેમના સ્વાગત માટે લાજપોર જેલ પહોંચ્યા હતા. અલ્પેશ કથીરિયાને જયારે રાજકારણ માં જોડાવવા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં તમામ કાર્યકતાઓ અને સમાજને ધ્યાનમાં લઈને નિર્ણય કરવામાં આવશે. જેને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

(11:44 am IST)