Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણયઃ કોર્ટની કાર્યવાહીનું થશે લાઈવ સ્‍ટ્રીમિંગ

ગુજરાત હાઈકોર્ટ આવુ કરનાર દેશની પ્રથમ હાઈકોર્ટ બની

અમદાવાદ, તા.૧૫: ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે અને શનિવારથી કોર્ટ કાર્યવાહીનું લાઈવ સ્‍ટ્રીમીંગ કરવામાં આવશે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટ આવુ કરનાર દેશની પ્રથમ હાઈકોર્ટ બની ગઈ છે. કોર્ટે અદાલતની કાર્યવાહીનું લાઈવ સ્‍ટ્રીમિંગ કરવા માટે ખાસ નિયમો પણ બનાવ્‍યા છે.

ગુજરાત હાઈકોર્ટે પહેલી વાર ૨૬ ઓક્‍ટોબર ૨૦૨૦માં ટ્રાયલ તરીકે કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્‍ટ્રીમીંગ શરૂ કર્યુ હતું. જેને યુટ્‍યૂબના માધ્‍યમથી ક્‍યાંયથી પણ જોઈ શકાતુ હતું. આ દરમિયાન કોર્ટે ઓફિશિયલ યુટ્‍યૂબ ચેનલ પર ટ્રાયલ લાઈવ સ્‍ટ્રીમીંગને ૪૧ લાખ વાર જોવામાં આવ્‍યુ હતું. સાથે ૬૫ હજાર લોકોએ ચેનલને સબ્‍સક્રાઈબ પણ કરી છે.

હાઈકોર્ટના રજિસ્‍ટ્રાર જનરલે એક નોટિફિકેશનમાં જણાવ્‍યું હતું કે શનિવાર (૧૭ જુલાઇ) ના રોજ ઓનલાઇન ફંક્‍શનમાં કોર્ટ ઔપચારિક રીતે કોર્ટના અન્‍ય રસ ધરાવતી બેંચોની કોર્ટ કાર્યવાહીની લાઇવ સ્‍ટ્રીમિંગ કોર્ટ શરૂ કરશે. ચીફ જસ્‍ટિસ ઓફ ઇન્‍ડિયા એન.વી રમન્ના (સીજેઆઈ રમન્ના) આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે અને કાર્યક્રમનું ઉદઘાટન કરશે.

આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટના જસ્‍ટિસ ડી વાય ચંદ્રચુડે પણ કહ્યું હતું કે કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્‍ટ્રીમીંગ રહે, જેથી સામાન્‍ય લોકો પણ જાણી શકે કે આટલા કેસો કોર્ટમાં કેમ પેન્‍ડિંગ છે. હકીકતમાં, ન્‍યાયાધીશ ચંદ્રચુડ અને જસ્‍ટિસ એમઆર શાહની ખંડપીઠ વર્ષ ૨૦૧૮ ની અરજી પર સુનાવણી કરી રહી હતી, ત્‍યારે અરજદારના વકીલે મુલતવી માંગી હતી, જે પછી કોર્ટે આ ટિપ્‍પણી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જુનિયર વકીલે કહ્યું કે તેમના વકીલની તબિયત સારી નથી. આના પર કોર્ટે તેમને દલીલો રજૂ કરવા કહ્યું, તો વકીલે કહ્યું કે તે આ માટે તૈયાર નથી.

(10:19 am IST)