Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

સાયન્સસિટીનું રોબોકાફે અમદાવાદીઓમાં આકર્ષણ જમાવશે

અનોખું કાફે : જ્યાં રોબોટ શેફ વાનગી બનાવશે ને રોબોટ વેઇટર્સ પીરસશે

અમદાવાદીઓને રોબો શેફના હાથે બનેલા રેડ પાસ્તા, સિઝવાન રાઇસ, ચા-કોફી, ઢોંસાનો સ્વાદ માણવા મળશે : ૧૬મીએ વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદઘાટન

અમદાવાદ,તા.૧૫: તમે કાફેમાં બેઠા હોવને રોબોટ સમોસા-ચા કે કોફી લઇને આવે તો નવાઇ પામશો નહી.  અમદાવાદ શહેરમાં સાયન્સ સિટીમાં રોબો કાફે તૈયાર કરાયુ છે જયાં રોબોટ શેફ વિવિધ વાનગીઓ તૈયાર કરશે અને રોબોટ વેઇટર્સ મુલાકાતીઓને આપેલા ઓર્ડર મુજબ વાનગીઓ પિરસશે. આજની ફાસ્ટ લાઇફમાં હવે રોબોનો રોંજીદા જનજીવનમાં ઉપયોગ થવાનુ શરૂ થઇ રહ્યુ છે. ગુજરાતમાં કદાચ આ પ્રથમ રોબો કાફે હશે જયારે રસોડામાં સેફ અને કાફમાં વેઇટર્સ પણ રોબોટ જ હશે. આ અનોખા રોબો કાફેનું તા.૧૬મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે.

સાયન્સ સિટી પરિસરમાં રૂ.૧૨૭ કરોડના ખર્ચે ૧૧ હજાર સ્કેવર મિટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરાયુ છે.આ રોબોટિક ગેલેરીમાં ૭૯ પ્રકારના લગભગ ૨૦૦થી વધુ રોબોટ મૂકવામાં આવ્યા છે. સાયન્સ સિટીના મુલાકાતે આવનારાં માટે રોબોટિક ગેલેરીમાં જ રોબો કાફે બનાવવામાં આવ્યુ છે જેમાં ૪૦ જણાં બેસીને ચા-નાસ્તો કરી શકશે. આ રોબો કાફેની વિશેષતા એ છેકે, અહીં મુલાકાતીઓએ સ્ક્રિન પર સીટ પસંદ કરી ઓનલાઇન ઓર્ડર આપવાનો રહેશે જેથી રસોડામાં રોબો શેફ જે તે વાનગી બનાવશે અને રોબો વેઇટર્સ તે જે સીટ પર જઇને વાનગી પિરસશે.

રોબો કાફેમાં રોબોટ શેફના હાથે શું શું વાનગી મળશે તેનુ મેનુ પણ તૈયાર કરાયુ છે. રોબો કાફેમાં ચા, કોફી, રેડ  પાસ્તા , સિઝવાન ફ્રાઇડ રાઇસ , દાલખિચડી અને મસાલા ઢોસાનો સ્વાદ માણવા મળશે. શરૂઆતમાં કાફેમાં ચાર રોબો વેઇટર્સ મુલાકાતીઓને ચા,નાસ્તો પિરસશે. જયારે એક જ રોબોટ શેફ બધાય વ્યજંન તૈયાર કરશે.સાયન્સ સિટીના એકઝીકયુટિવ ડાયરેકટર એસ.ડી વોરા કહે છેકે, રોજીદા જીવનમાં હવે ટેકનોલોજીના માધ્યમથી રોબોટ કેટલો ઉપયોગી થશે તે રોબો કાફેની એક જ મુલાકાત પરથી ખબર પડશે.રોબો માત્ર વિવિધ વ્યજંન તૈયાર કરશે અથવા વાનગી પિરસશે એટલું જ નહીં, રોબોટિક ગેલેરીમાં એવા ય રોબો મૂકાયાં છે જે મુલાકાતીઓ સાથે  આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહભાવ સાથે વાતચીત પણ કરશે. 

આ અનોખો રોબો કાફે ઉપરાંત રોબોટિક ગેલેરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા.૧૬મીએ લોકો માટે ખુલ્લી મૂકશે. ગુજરાતીઓમાં માટે રોબો કાફે નજરાણુ બની રહેશે.

(10:18 am IST)