Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

મિશન ઇન્દ્રધનુષ રસીકરણ અભિયાનના સ્થળની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મુલાકાત લીધી

બીજો તબક્કો 17 ઓગસ્ટથી અને ત્રીજો તબક્કો 13 સપ્ટેમ્બરથી શરૂ કરાશે : રાજયમાં માતા-બાળ મુત્યુ દર ઘટાડવા તથા ગંભીર રોગો સામે તેમને સુરક્ષા કવચ પુરું પાડવા રાજય સરકાર દ્વારા અભિયાન

અમદાવાદ :રાજયમાં માતા-બાળ મુત્યુ દર ઘટાડવા તથા ગંભીર રોગો સામે તેમને સુરક્ષા કવચ પુરું પાડવા રાજય સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષ રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ગાંધીનગર મહાનગરપાલિકાના બોરીજ ખાતે મિશન ઇન્દ્રધનુષ રસીકરણ અભિયાનના સ્થળની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે મુલાકાત લીધી હતી. આ અભિયાનનો પ્રથમ તબક્કો 12 જુલાઇથી શરૂ કરવામાં આવ્યો છે. જયારે બીજો તબક્કો 17 ઓગસ્ટથી અને ત્રીજો તબક્કો 13 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે. જુલાઇ 2021થી સપ્ટેમ્બર-2021ના અઠવાડિયાના સાત દિવસ મમતા દિવસ – બુધવાર, રવિવાર અને રજાના દિવસો સિવાયના દિવસોમાં સેશન પ્લાન કરી રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલા શ્રેષ્ઠ કામગીરીના પરિણામે તાજેતરમાં નીતિ આયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રે જાહેર કરાયેલા સૂંચકાંકોમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આગામી સમયમાં પણ આવી જ સફળ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ રાખી આરોગ્ય ક્ષેત્રને સુદ્દઢ બનાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે, રાજયમાં માતા-બાળ મુત્યુ દર ઘટાડવા તથા ગંભીર રોગો જેવા કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઉટાટીયું, ધનુર, હીબ બેકટેરિયાથી થતાં ન્યુમોનિયા જેવા રોગો, રોટા વાયરસથી થતાં ઝાડા, ઓરી અને રૂબેલા જેવા 10 ગંભીર રોગ સામે માતા અને બાળકોને રક્ષણ પુરું પાડવા રાજય સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજયમાં આ કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક 13 લાખથી વધુ સગર્ભા માતાઓને અને તેમના બાળકોને આવરી લેવામાં આવ્યા છે. છેલ્લાં એક વર્ષમાં 10.26 લાખથી વધુ ( 91 ટકા ) બાળકોનું રસીકરણ અભિયાન અંતર્ગત કરાયું છે.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લાં બે દસકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે હરણફાળ ભરી છે.માતા- બાળ મુત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો, રાજયમાં આરોગ્ય સેવાઓના વ્યાપમાં વધારો, બાળકોમાં રસીકરણ વગેરે ક્ષેત્રોમાં ગુજરાતે પ્રશંસનીય કામગીરી કરી છે. મુખ્યત્વે શહેરી ગરીબ વિસ્તાર, દુરગામી અંતરિયાળ વિસ્તારમાં મજૂરી કામ કરતાં લોકોના બાળકોનું રસીકરણનું મહત્વ જાણવાના કારણે રસીકરણ કાર્યક્રમ અંતર્ગત અપાતી કોઇને કોઇ રસીથી વંચિત રહી જાય છે. તેની સામે રાજય સરકાર દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, દર વર્ષે અંદાજિત 6 લાખથી વધુ મમતા સેશનનું આયોજન કરવામાં આવે છે. રાજયના 0થી 2 વર્ષ સુધીના કોઇપણ બાળકો કે સગર્ભા માતા રસીકરણથી વંચિત ન રહે અને 100 ટકા રસીકરણ હાંસલ કરવાનો છે. બે વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોઇપણ રસીકરણ સેશન પર બાકી રહી ગયું હોય તો તેમને પણ રસી મૂકવાનું આયોજન છે. આ અભિયાન દરમિયાન 19,140 બાળકો અને 2759 સગર્ભા માતાને 3670 વધારાના સેશન પ્લાન કરીને આવરી લેવામાં આવશે. તેમ જ 81,770 બાળકોને રૂટિન ઇમ્યુનાઇઝેશન –ડે ( મમતા દિવસ બુધવારે ) આવરી લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા મિશન ઇન્દ્રધનુષનું અમલીકરણ 25 ડિસેમ્બર 2014થી કરવામાં આવ્યું છે. રાજયમાં મિશન ઇન્દ્રધનુષના 2015થી 2021 દરમિયાન કુલ 10 ફેઝનું સફળ અમલીકરણ કરાયું છે. આ 10 ફેઝ દરમિયાન 8,46,302 બાળકો અને 1,99,125 સગર્ભા સ્ત્રીઓને તથા 1,85,530 વધારાના રસીકરણ- મમતા સેશનનું આયોજન કરી રસીકરણ સેવાઓ અંતર્ગત આવરી લેવાયા હતા.

(11:09 pm IST)