Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલે કર્યો ચોંકાવનારો ખુલાસો : છૂટાછેડા માટે માનસિક દબાણ લાવવા પ્રયાસ

કોરોનાથી સ્વસ્થ થયા પછી તેમનો વ્યવ્હાર બદલાઈ ગયો: મારા ઉપર લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા

અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકી તેમની પત્ની વિરુદ્ધ વકીલ દ્વારા અખબારમાં જારી કરવામાં આવેલી નોટિસ અંગે ભારે ચર્ચાઓ થઈ રહી છે. દરમિયાન ભરતસિંહ સોલંકીની પત્ની રેશ્મા પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે.રેશ્મા પટેલે સોલંકી પર છૂટાછેડા માટે માનસિક દબાણ લાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

ભરતસિંહની નોટિસ અંગે તેમની પત્ની રેશ્મા પટેલે જણાવ્યું હતું કે જ્યારે ભરતસિંહ સોલંકીને કોરોના થયો હતો, ત્યારે તે દરમિયાન તેમણે તેમની ઘણી સેવા કરી હતી. પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા પછી તેમનો વ્યવ્હાર બદલાઈ ગયો છે. આ સાથે રેશ્મા પટેલે ભરતસિંહ સોલંકી ઉપર પણ છૂટાછેડા મેળવવા માટે માનસિક દબાણ લાવવાનો આક્ષેપ કર્યો હતો. આ સાથે રેશ્માએ એમ પણ કહ્યું કે મારી ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. મારા ઉપર લાગેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે.

આ મામલે રેશ્માના વકીલે જણાવ્યું હતું કે માનસિક દબાણ બનાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. રેશ્મા પટેલના વકીલે આરોપ લગાવ્યો કે તેના ક્લાયંટને ધમકી આપવામાં આવી રહી છે.

ભરતસિંહ સોલંકીએ નોટિસમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ તેની સાથે આર્થિક વ્યવહાર અથવા કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન કરે. જો આવું થાય તો ભરતસિંહ આ માટે જવાબદાર રહેશે નહીં. ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, “અમે લાંબા સમયથી સાથે રહ્યા નથી અને તે મનફાવે તે રીતે વર્તે છે.” તે મારા ઘરે આવે છે ત્યારે પણ તે મારી સાથે વાતચીત કરતી નથી. શરૂઆતમાં મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ચાલ્યું નહીં. તે પછી પરિવારે દખલ કરી હતી પરંતુ પરિણામ બહાર આવ્યું નથી. મને ખબર નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માગે છે.

(9:20 pm IST)