Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

રાજ્યની તમામ શાળામાં ધોરણ-12માં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવા નિર્ણય :વાલીઓની સંમતિ જરૂરી :વર્ગખડમાં 50 ટકા શ્રમતા સાથે વિદ્યાર્થીઓને એકાંતરા બોલાવવાના રહેશે

અમદાવાદ : રાજ્ય સરકાર દ્વારા 15 જુલાઈથી ધોરણ-12માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાજ્યમાં કોરોના મહામારીને કારણે સવા વર્ષ કરતા વધુ સમયથી ઓફલાઈન શિક્ષણ બંધ છે. પરંતુ હવે કોરોનાના કેસો ઘટી ગયા હોવાથી રાજ્ય સરકારે ધોરણ 12ની સ્કૂલો, કોલેજો અને ટેકનિકલ સંસ્થાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.  

 મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં 15મી જુલાઇ 2021 ગુરુવારથી ધો.12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે. આ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. આમ કુલ 18 લાખ 46 હજાર 51 વિદ્યાર્થીનું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે.

રાજ્યમાં ધોરણ-12 ઉચ્ચત્તર માધ્યમિકની 833 સ્કૂલોના 6 લાખ 82 હજાર વિદ્યાર્થીઓ, સરકારી, અનુદાનિત, સેલ્ફ ફાયનાન્સ અને યુનિવર્સિટીઓની કુલ 1609, ઉચ્ચશિક્ષણ સંસ્થાનોમાં 8 લાખ 85 હજાર 206 વિદ્યાર્થીઓ તેમજ ઇજનેરી, ફાર્મસી અને પોલિટેકનિક કોલેજ મળીને કુલ 489 ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં 2 લાખ 78 હજાર 845 વિદ્યાર્થીઓ છે

કોર કમિટીની આ બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, શિક્ષણ અગ્ર સચિવ એસ. જે. હૈદર, મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર અને શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિત રહ્યા હતા.

(9:03 pm IST)