Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો બિન્દાસ્ત ઉંઘતા દેખાયા

લોકશાહી પ્રણાલિને શરમાવતા દ્રશ્યો સર્જાયાઃ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાની ઐસી તૈસી કરીને સભ્યોએ ભરી બોર્ડ સભામાં જ બિન્દાસ્ત રીતે મીઠી નીંદર માણી

અમદાવાદ,તા. ૧૫, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજથી શરૂ થયેલી બજેટ સત્રની બેઠકના પ્રથમ દિવસે જ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ એમ બંને પક્ષોના કાઉન્સીલરો મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં ઉંઘતા રંગેહાથ ઝડપાયા હતા. બપોરના જમણ બાદ કેટલાય કાઉન્સીલરો બિન્દાસ્ત રીતે પ્રજાના પ્રશ્નોની ઐસી તૈસી કરીને બપોરની ઘેરી નિંદ્રાની મોજ માણતા નજરે પડતા હતા. લોકશાહી પ્રણાલિને શરમાવતા આ દ્રશ્યો હતા પરંતુ પ્રજાના ચૂંટાયેલા આ પ્રતિનિધિઓને તેમને જેઓએ ચૂંટીને મોકલ્યા છે, તે પ્રજાની જ જાણે પડી ના હોય તેવું ચિત્ર આજે મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં સામે આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ માટેના બજેટ તાજેતરમાં જ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્ય બજેટ ઉપરાંત, એએમટીએસનું બજેટ, વીએસ હોસ્પિટલનું બજેટ, માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયનું બજેટ અને સ્કૂલ બોર્ડના બજેટનો સમાવેશ થતો હતો. આ બજેટને  મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં અધિકૃત મંજૂરી અને પસાર કરવા માટે બે દિવસીય બજેટસત્ર બેઠકનો આજથી પ્રારંભ થયો હતો. દર વર્ષે મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં આવતા કાઉન્સીલરોના જમવા પાછળ લાખો રૂપિયાના ખર્ચ સહિતના ઉડાઉ ખર્ચના વિવાદને લઇ આ વખતે કાઉન્સીલરોને ઘરેથી જ ટિફિન લઇને આવવાની સૂચના આપવામાં આવી હતી. બેઠકના આજના પ્રથમ દિવસે વીએસ., એમ.જે.લાયબ્રેરી, સ્કૂલ બોર્ડ અને એએમટીએસ બજેટ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. જો કે, બપોરે જમ્યા બાદ કાઉન્સીલરોને આળસ વળી હતી અને રોજ બપોરે સૂઇ જવા માટે ટેવાયેલા કેટલાક કાઉન્સીલરો પોતાની આદતને આજે ખાળી શકયા ન હતા અને મ્યુનિસિપલ બોર્ડની ચાલુ બેઠકમાં જ શાસક પક્ષ ભાજપ અને શાસક પક્ષને જગાડવાની જેની જવાબદારી છે તે વિપક્ષ કોંગ્રેસના જ કેટલાક કાઉન્સીલરો રીતસરના ભર નિંદ્રામાં સરી પડયા હતા. એક બાજુ મ્યુનિસિપલ બોર્ડની બજેટ પરની મહત્વની ચર્ચા વિચારણા ચાલી રહી હતી, જેમાં શાસક પક્ષ અને વિપક્ષના કાઉન્સીલરોએ પોતપોતાની મહત્વની ભૂમિકા અદા કરવાની હતી પરંતુ બંને પક્ષના કેટલાક કાઉન્સીલરો મીઠી નીંદર માણતા ઝડપાઇ ગયા હતા. પ્રજાના પ્રાણપ્રશ્નો અને જનતાની સમસ્યાઓને લઇ આ કાઉન્સીલરો કેટલા જવાબદાર છે તે આ દ્રશ્યો પરથી જ સ્પષ્ટ થઇ જતું હતું.

(11:41 pm IST)