Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ખાડે ગયેલ સેવા-કૌભાંડોને લઇને વિપક્ષે પસ્તાળ પાડી

ચર્ચા માટેની બોર્ડની સામાન્ય સભામાં આક્ષેપોઃ વિપક્ષી કોંગ્રેસના કાઉન્સીલરો દ્વારા વીએસના બજેટ અને કમિશનર બજેટમાં ૫૨ કરોડના અંતરનો ખુલાસો મંગાયો

અમદાવાદ,તા. ૧૫, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટ પર  ચર્ચા કરવા માટે બે દિવસીય મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય સભામાં આજે પ્રથમ દિવસે એએમટીએસ, સ્કૂલ બોર્ડ, એમજે લાયબ્રેરીના બજેટ પર મુખ્ય ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, જેમાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ શહેરમાં ખાડે ગયેલી સેવાઓ અને ફાલેલાફુલેલા કૌભાંડોને લઇ શાસક પક્ષ ભાજપ પર આજે જોરદાર પસ્તાળ પાડી હંગામો મચાવ્યો હતો. એક તબક્કે વિપક્ષના સભ્યોએ વીએસના બજેટ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ થયેલા બજેટમાં રૂ.૫૨ કરોડના તફાવત અંગે પણ શાસકપક્ષનો ખુલાસો માંગ્યો હતો. જેને લઇ વાતાવરણ જોરદાર રીતે ગરમાયું હતું. આજે કેટલાક મુદ્દાઓ પર વિપક્ષ કોંગ્રેસ અને શાસકપક્ષ ભાજપના સભ્યો વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટ પર  ચર્ચા કરવા માટે આજે મેયર ગૌતમ શાહના અધ્યક્ષસ્થાને બે દિવસીય મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય સભા મળી હતી, જેમાં આજે પ્રથમ દિવસે એએમટીએસ, સ્કૂલ બોર્ડ, એમજે લાયબ્રેરીના બજેટ પર મુખ્ય ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. વિપક્ષના નેતા દિનેશ શર્મા, પૂર્વ નેતા સુરેન્દ્ર બક્ષી સહિતના સભ્યોએ એએમટીએસ, શિક્ષણ સહિતની શહેરની ખાડે ગયેલી સેવાઓને લઇ શાસક પક્ષ ભાજપ પર ચાબખા વરસાવવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહી, વિપક્ષના સભ્યોએ સ્કૂલબોર્ડની શાળાઓમાં કથળેલા શિક્ષણ અને દિન પ્રતિદિન મ્યુનિસિપલ શાળાઓમાંથી બાળકોની ઘટતી જતી સંખ્યાને લઇને પણ ભારે ચિંતા વ્યકત કરી હતી અને તે મુદ્દે શાસકપક્ષના અણઘડ વહીવટની ટીકા કરી હતી. તો, આ જ પ્રકારે શહેરમાં એએમટીએસ બસોની ખાડે ગયેલી સેવા અને રૂટો વધારવાની દર વર્ષે કરાતી જાહેરાતો માત્ર કાગળ પર જ રહેતી હોવાના ગંભીર આક્ષેપો સાથે શાસક પક્ષના સત્તાધીશોને સાણસામાં લીધા હતા. દરમ્યાન વીએસ હોસ્પિટલના બજેટ અને મ્યુનિસિપલ કમિશરના બજેટમાં રૂ.૫૨ કરોડના એક તફાવતના મુદ્દે વિપક્ષના સભ્યોએ શાસક પક્ષનો ખુલાસો માંગ્યો હતો અને પૃચ્છા કરી હતી કે, આ વાતનો જવાબ આપો. ત્યારે એક તબક્કે શાસક પક્ષના સભ્યો અને વિપક્ષના સભ્યો વચ્ચે તુંતું મેૈેંમૈં સર્જાઇ હતી અને બંને પક્ષે શાબ્દિક ટપાટપી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરના વિકાસના ઠાલા વચનો આપી પ્રજા સાથે ગંભીર છેતરપીંડી કરી રહાઇ હોવાના પણ વિપક્ષે શાસકપક્ષ પર આરોપ લગાવ્યા હતા અને બેઠકમાં ભારે હંગામો મચાવ્યો હતો. એક તબક્કે ભારે શોરબકાર અને આક્ષેપ-પ્રતિઆક્ષેપોથી મ્યુનિસિપલ બોર્ડ સદન ગાજી ઉઠયું હતું.

(11:40 pm IST)