Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

મંત્રી બચુ ખાબડના આગોતરા જામીન હાઇકોર્ટે મંજૂર રાખ્યા

ચૂંટણી પ્રચાર વેળા હવામાં ફાયરીંગ કરવાનો કેસ : રાજયકક્ષાના ગ્રામીણ વિકાસ પ્રધાને હાઇકોર્ટ દ્વારા રાહત

અમદાવાદ,તા. ૧૫ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન દેવગઢબારિયા મતવિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી હિંસાના પ્રકરણમાં હવામાં ફાયરીંગ કરવાના અને કોંગ્રેસના ઉમેદવારને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ચકચારભર્યા કેસમાં રાજયકક્ષાના ગ્રામીણ વિકાસ મંત્રી બચુ ખાબડને ગુજરાત હાઇકોર્ટે આજે આગોતરા જામીન આપ્યા હતા. રાજયકક્ષાના મંત્રી બચુ ખાબડને આજે ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી રાહત મળી હતી. આ સમગ્ર મામલે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ વખા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના અનુસંધાનમાં રાજયકક્ષાના મંત્રી બચુ ખાબડને હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવાની ફરજ પડી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ વડોદરા જિલ્લામાં દેવગઢબારિયા મતવિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો-કાર્યકરો દ્વારા પ્રચાર કાર્ય ચાલી રહ્યું હતું તે દરમ્યાન ગત તા.૩૦-૧૧-૨૦૧૮ના રોજ બંને પક્ષે સામસામે જૂથ અથડામણ અને હિંસા થઇ ગઇ હતી. જેમાં હાલના રાજયકક્ષાના મંત્રી અને ભાજપના ઉમેદવાર બચુ ખાબડે હવામાં ફાયરીંગ કર્યું હતું, જેથી કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ વખા દ્વારા સ્થાનિક પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે, આ સમગ્ર પ્રકરણમાં ભરતસિંહ વખા અને કોંગ્રેસના કાર્યકરો વિરૂધ્ધ વળતી ફરિયાદ નોંધાઇ હતી. ચકચારભર્યા આ કેસમાં પોતાની સંભવિત ધરપકડ ટાળવા રાજયકક્ષાના મંત્રી બચુ ખાબડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી અને બચાવ રજૂ કરવામાં આવ્યો હતો કે, અરજદાર વિરૂધ્ધ કોઇ પ્રથમદર્શનીય કેસ બનતો નથી. હાલના ગુનામાં અરજદારની કોઇ સંડોવણી નથી, તેથી તેઓના આગોતરા જામીન મંજૂર કરવા જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખીને હાઇકોર્ટે બચુ ખાબડને મોટી રાહત આપી તેમના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.

(8:23 pm IST)