Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

વડોદરામાં ર૦૦૦ની બનાવટી નોટોના ષડયંત્રનો પર્દાફાશ

એક હથિયાર અને ૩ મેેગઝીન મળ્યા તમામ વિગતો સાથે પોલીસ કમિશ્નર મનોજ શશીધર ગાંધીનગર દોડયા :૩ લાખની નોટો સાથે ઇન્દોરના પિતા-પુત્ર સહિત પ સકંજામાં એસઓજી ટીમ ઇન્દોર પહોંચીઃ નશાકારક ઇન્જેકશનના કરતુતો બાદ વધુ એક સફળતા :ગુજરાતને નશાની ગર્તામાં ધકેલવાના કૌભાંડનો પર્દાફાશ કરનાર વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધર તથા એસઓજી પીઆઇ એચ.એમ.ચૌહાણ ટીમને વધુ એક સફળતાઃ આરોપીઓની પુછપરછમાં ધડાકાબંધ વિગતો ખુલીઃ ગુજરાત પોલીસ ઇન્દોરના ઉચ્ચ પોલીસ વર્તુળોના સંપર્કમાં: ઇન્દોરમાં ચોક્કસ સ્થાનો પર વોચ મુકાઇ

રાજકોટ, તા., ૧૫: વડોદરા શહેર પોલીસ કમિશ્નર મનોજ શશીધરના સીધા માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમને નશાકારક ઇન્જેકશન બાદ વધુ એક સફળતા ર૦૦૦ રૂપીયાની ૩ લાખની બનાવટી નોટોના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં સફળતા સાંપડયાનું સુત્રો જણાવે છે.

સ્વાગત પાર્ટી પ્લોટ નજીકથી કુલ પાંચ શખ્સો કે જેમાં ૩ ગુજરાતના અને ર ઇન્દોરના કે જેઓ પિતા-પુત્ર છે તેઓને ઝડપી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા પુછપરછનો દોર  પોલીસ કમિશ્નર મનોજ શશીધરે જાતે હાથમાં લઇ ઉકત બાબતે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવામાં મહત્વની ભુમીકા ભજવનાર એસઓજી પીઆઇ એચ.એમ.ચૌહાણ સાથે ચર્ચા કરી એક ખાસ ટીમ વધુ બનાવટી નોટો કબ્જે કરવા તથા વધુ હથીયારો ઝડપવા ઇન્દોર રવાના કરી છે.

અગાઉથી પોલીસ કમિશ્નર મનોજ શશીધરની સુચનાથી વોચમાં ગોઠવાયેલા  પ શખ્સો નિકળતા જ તેમને દબોચી લઇ તેમની પાસેથી કબ્જામાં રહેલ એક હથીયાર તથા ૩ મેગઝીન સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા પ શખ્સો પૈકી નરેશ નામનો શખ્સ ઇન્દોર-મધ્યપ્રદેશનો છે અને નરેશના પુત્રની પણ આ ગુન્હામાં ધરપકડ કરવામાં આવી છે.

બનાવની ગંભીરતા ધ્યાને લઇ સમગ્ર વિગતો ગૃહ ખાતાને તથા ગૃહમંત્રી સમક્ષ ચર્ચા કરવા માટે વડોદરાના પોલીસ કમિશ્નર તમામ વિગતો સાથે ગાંધીનગર પહોંચ્યા હતા તેમ સુત્રો જણાવે છે.

ઇન્દોરના પિતા-પુત્રની ભુમીકા મહત્વની હોવાનું બહાર આવતા જ વડોદરા પોલીસ કમિશ્નરે ઇન્દોરના ઉચ્ચ પોલીસ સતાવાળાઓ સાથે ચર્ચા કરી બનાવટી નોટો તથા હથીયારોનો જથ્થો કબ્જે કરવા તપાસ દરમિયાન જેમના નામો ખુલ્યા છે તેમને ત્યાં વોચ રાખવા સુચવ્યું છે. વડોદરા એસઓજીની ટીમ પણ ઇન્દોરના હથીયારોના સોદાગરો તથા ફેકટરીઓ પર જવા સાથે બનાવટી નોટોના મૂળ સુધી પહોંચવા સજ્જ બની છે.

અત્રે એ યાદ રહે કે, તાજેતરમાં જ વડોદરાના પોલીસ કમિશ્નર મનોજ શશીધરની રાહબરીમાં એસઓજી ટીમ દ્વારા યુવાનોને નશાની ગર્તામાં ધકેલવાનું એક ષડયંત્ર પકડી પાડયું હતું. યોગાનુયોગ એ સમયે પણ પિતા-પુત્રની જોડી એ બનાવમાં હોવાનું ખુલ્યું હતું.

(5:38 pm IST)