News of Wednesday, 14th February 2018

સમારોહ પહેલા બે સરપંચો સરકારની વિરૂદ્ધ આવી ગયા

સરપંચ અભિવાદન સમારોહ પહેલા વિવાદ : અગાઉનો સરપંચ સમારોહનો ફિયાસ્કો થયા બાદ ફરીથી બે સરપંચ બડબોલા નીકળ્યા : સમજાવવાના પ્રયાસ થયા

અમદાવાદ,તા. ૧૪ : ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ગાંધીનગર ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો. સમારોહ પહેલા જ બે સરપંચે ખુલ્લેઆમ સરકાર સામે નારાજગી દર્શાવતા ભાજપ સામે મુશ્કેલી સર્જાઈ હતી. આજે ફરી ભાજપને ખાસ કરીને સરકારને વિવાદમાં ઘસડાવાનો વારો આવ્યો હતો. કારણ કે, સમારોહની શરૂઆત પહેલાં જ બે સરંપચોએ ખુલ્લેઆમ સરકાર સામે ભારોભાર નારાજગી દર્શાવી હતી અને ગંભીર આક્ષેપ લગાવ્યો હતો કે, રાજય સરકાર સરપંચોનો માત્ર શોભાના ગાંઠિયા સમાન ઉપયોગ કરી રહી છે. કાર્યક્રમમાં જ ખુદ બે સરપંચો દ્વારા સરકાર સામે આવા ગંભીર આક્ષેપથી ચકચાર મચી ગઇ હતી. જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના પિખોર ગામના સરપંચ દિપકભાઇ સોંદરવાએ સરકાર સામે બોલવાની હિંમત બતાવતાં બીજા એક સરપંચ ગાંધીગરના કાનપુર ગામના સરપંચ બળદેવ ચૌધરી પણ ઉત્સાહમાં આવી ગયા હતા અને સરકારની સામે પ્રાથમિક જરૂરિયાતોના અભાવને મુદ્દે  બોલવા લાગ્યા હતા. બંને સરપંચો દ્વારા હિમંતભર્યુ વર્તન દાખવી સમારોહમાં ખાસ કરીને ભાજપના નેતાઓની શાખ જાણે દાવ પર લગાવી હતી, તેથી અન્ય સરપંચો પણ આવેશમાં આવી કોઇ બફાટ ના કરી બેસે તે માટે આ બંને સરપંચને ભાજપના સ્થાનિક આગેવાનોએ બોલતા અટકાવ્યા હતા અને યેનકેન પ્રકારે તેમને કાર્યક્રમ સ્થળની બહાર લઇ જવાયા હતા. જો કે, બંને સરપંચ સાથેના આ પ્રકારના વ્યવહારના કારણે બીજા સરપંચોમાં નારાજગીની લાગણી ફેલાઇ હતી. સરકાર સામે બોલવાની હિમંત કરનાર સરપંચ દિપકભાઇ સોંદરવાએ સરપંચોને ઓળખકાર્ડ, સુવિધા આપવા સહિતના અનેકવિધ મુદ્દાઓ પર માંગણીઓ પણ કરી હતી. જેથી ભાજપના આ ફરી યોજાયેલા સરપંચ અભિવાદન સમારોહને લઇ બીજો કોઇ વિવાદ સર્જાય તે પહેલાં આ બંને સરપંચને ત્યાંથી બહાર લઇ જવાયા હતા. ભાજપના ઘણા પ્રયાસો છતાં આજે વિવાદ તો સર્જાયો જ હતો.

(8:27 pm IST)
  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • હજારો કરોડના પંજાબ નેશનલ બેન્કના કૌભાંડમાં નિરવ મોદીને ત્યાં દરોડા : મુંબઈમાં એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટના ત્વરિત પગલા : નિરવ મોદીના ઘરે અને ઓફીસે ૧૦ થી ૧૨ સ્થળો પર ઈડીએ શરૂ કર્યુ સર્ચ ઓપરેશન : પંજાબ નેશનલ બેન્કના ૧૧ હજાર ૪૦૦ કરોડના કૌભાંડની તપાસનો જબરો ધમધમાટ : અનેકને રેલો આવશે access_time 12:24 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST