Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સુરતમાં દુર્લભભાઈ આત્મહત્યા કેસમાં રાંદેર PI એલ.પી. બોડાણા સહિત બે કોન્સ્ટેબલ અને એક ASIને સસ્પેન્ડ

સાયણ સુગરના માજી ડિરેક્ટર દુર્લભ પટેલની સુસાઇડ નોટમાં પીઆઇનો ઉલ્લેખ હતો

સુરતમાં દુર્લભભાઈ આત્મહત્યા કેસમાં રાંદેર PI એલ.પી. બોડાણા સહિત બે કોન્સ્ટેબલ અને એક ASIને સસ્પેન્ડ કરાયા છે નોધનીય છે કે, સાયણ સુગરના માજી ડિરેક્ટર દુર્લભ પટેલની સુસાઇડ નોટમાં પીઆઇનો ઉલ્લેખ હતો. DCP પન્ના મોમાયાએ દુર્લભ પટેલના મોટા પુત્ર ધર્મેશ પટેલની 6 કલાક સુધી પુછપરછ કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ PI બોડાણા સહિત ચાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરી છે અને તમામ ને સસ્પેન્ડ કર્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાંદેર રોડ ઉપર આવેલ સૂર્યપુર સોસાયટીમાં રહેતા અને માંડવીના ખંજરોલી ગામે આવેલ જલારામ સ્ટોન ક્વોરીના વ્યવસાય સાથે સંકળાયેલા સાયણ સુગરના માજી ડિરેક્ટર અને સહકારી ક્ષેત્રના આગેવાન દુર્લભભાઈ પટેલે ગત 7 સપ્ટેમ્બરના રોજ ખંજરોલી ગામે આવેલ તેમની સ્ટોન ક્વોરીમાં આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં રાંદેરના પી.આઈ લક્ષ્‍મણસિંહ બોડાણા સહિત 11 વ્યક્તિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો.

સુસાઇડ નોટ પ્રમાણે રાંદેરના પોલીસ ઇન્સ્પેક્ટર લક્ષ્‍મણસિંહ બોડાણા સહિત અન્ય પોલીસકર્મીઓ અને અન્ય માથાભારે લોકોએ તેમને કરોડો રૂપિયાની જમીન લખી આપવા માટે ખૂબ ત્રાસ આપ્યો હતો. અને આ બાબતે રાતોરાત લખાણ કરાવી લીધું હતું.

જમીન મામલે લખાણ કરાવ્યા બાદ દુર્લભભાઈએ બાકીના નીકળતા પૈસા માંગ્યા હતા. આરોપીઓ આ પૈસા આપી રહ્યા ન હતા તેમજ તેમની સાથે ખરાબ વર્તન કરતા હતા. આ જ કારણે દુર્લભભાઈ છેલ્લા છ મહિનાથી તણાવમાં જીવી રહ્યા હતા. આખરે તેમણે તમામ લોકોના ત્રાસને કારણે જીવન ટૂંકાવી લીધું હતું

(10:09 pm IST)