Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજકોટ એસીપી ક્રાઇમ તરીકે બહોળા અનુભવી ડી.વી.બસીયા પર પસંદગીનો કળશ

અનેક નામોની ચર્ચા વચ્ચે અંતે રાજકોટની ક્રાઇમ કુંડલીથી સુપરીચીત અધિકારી પર પસંદગી : સ્ટોન કીલરને ઝડપવા માટે વેષપલ્ટો કરી એસઓજીનું નેતૃત્વ સંભાળનાર આ અધિકારીએ અનેક તપાસોમાં દુધનું દુધ પાણીનું પાણી કરી તત્કાલીન પોલીસ કમિશ્નર મોહન ઝા-અનુપમસિંહ ગેહલોતની પ્રસંશા હાંસલ કરી હતીઃ ૮ તાલીમી આઇપીએસને પોષ્ટીંગ આપવા ડીવાયએસપી કક્ષાના ૨૩ અધિકારીઓની અરસ-પરસ બદલીઓ

રાજકોટ, તા., ૧૪: સિનીયર કક્ષાના આઇપીએસ તથા એસપી લેવલના અધિકારીઓની બદલી બાદ ડીવાયએસપી કક્ષાએ ધરખમ ફેરફારોની ચર્ચા વચ્ચે, ૮ તાલીમી આઇપીએસ અધિકારી ફેઝ-રની તાલીમ પૂર્ણ થતા આ આઇપીએસ અધિકારીઓને અલગ-અલગ જગ્યાએ નિમણુંક આપવા ૧૫ જેટલા ડીવાયએસપીઓના અરસ-પરસ થયેલ ફેરફારોમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એસીપીની મહત્વની જગ્યા પર અનેક નામોની  ચર્ચાઓ વચ્ચે અંતે રાજકોટનો બહોળો અનુભવ ધરાવતા અને શહેરના સજ્જન અને ગુન્હેગારોની કુંડળીથી સુપરીચીત એવા લીંબડી ડીવાયએસપી ડી.વી.બસીયા પર પસંદગીનો કળશ ઢોળાયો છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર જગાવનાર સ્ટોન કિલરને ઝડપવા માટે નિમાયેલી વિવિધ ટીમો પૈકી એસઓજી ટીમનું નેતૃત્વ ડી.વી.બસીયા દ્વારા કરવામાં આવેલ વેષપલ્ટો કરી સ્ટોન કીલરને ઝડપવા તેઓ કાર્યરત રહયા હતા. આની સાથોસાથ રાજકોટ એસઓજી બ્રાન્ચના પીઆઇ તરીકેના કાર્યકાળ દરમિયાન અનેક તપાસોમાં પરીણામલક્ષી કામગીરી દ્વારા તત્કાલીન પોલીસ કમિશ્નર મોહન ઝા અને અનુપમસિંહ ગેહલોતની પ્રસંશા મેળવી હતી. 

ડીવાયએસપી કક્ષાએ અન્ય જે ફેરફારો થયા છે તેમાં પાલનપુરના એ.આર.જનકાંતને સ્પેશ્યલ બ્રાન્ચ અમદાવાદ, દાહોદના કલ્પેશ ચાવડાને ખેડા, ખેડાના વિજય રાઠોડને (આઇબી ગાંધીનગર) ભાવનગરના એમ.એચ.ઠાકરને વિભાગીય અધિકારીથી ડીવાયએસપી આઇબી ભાવનગર, એસ.કે.વાળાને થરાદથી વડોદરા ગ્રામ્ય, અક્ષરધામ હુમલા સમયે આતંકવાદીઓનો બહાદુરીથી મુકાબલો કરી ઘાયલ થયેલા અમદાવાદ એસીબીના કાર્યદક્ષ ડીવાયએસપી ડી.પી.ચુડાસમાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ભરૂચના ડી.પી.વાઘેલાને એસીબી અમદાવાદ, દેવભુમી દ્વારકાના બી.એસ.વ્યાસને અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્યના સમીર સારડાને દેવભુમી દ્વારકા એસસી એસટી સેલ, રાજકોટ ગ્રામ્યના ડો.શ્રૃતી મહેતાને જીલ્લા આઇબી ગાંધીનગર, મોડાસાના એસ.એસ.ગઢવીને એસીબી બરોડા, ચોકી સોરઠના એમ.બી.સોલંકીને જામનગર, મોરબીના ડી.જી.ચૌધરીને સ્પેશ્યલ બ્રાન્ચ ગાંધીનગર તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભગીરથસિંહ ગોહીલને ડીવાયએસપી પોલીસ ટ્રેનીંગ સેન્ટર ચોકી ખાતે બદલવામાં આવ્યા છે.

જે ૮ તાલીમી આઇપીએસને પોષ્ટીંગ અપાયા છે તેમાં સુરેન્દ્રનગરના શૈફાલી બરવાળાને સુરેન્દ્રનગરથી દાહોદ, લવલીના સિંહાને સાબરકાંઠાથી વિરમગામ, બનાસકાંઠાના અભય સોનીને અમરેલી, અમરેલીના સુશીલ અગ્રવાલને પાલનપુર, જામનગરના હસન સફીન મુસ્તફાને ભાવનગર, પંચમહાલના પુજા યાદવને થરાદ, વડોદરા ગ્રામ્યના વિકાસ સુપડાને ભરૂચ, વલસાડના ઓમ પ્રકાશ જાટને અમદાવાદ સ્પેશ્યલ બ્રાન્ચમાં પોષ્ટીંગ અપાયા છે. પેટા ચુંટણીઓ બાદ ડીવાયએસપી કક્ષાએ ફરીથી મોટા ફેરફારો આવશે તેમ સુત્રો જણાવે છે.

(12:58 pm IST)