Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

પોલીસનાં ઘરમાં જ તસ્કરોનો હાથફેરો : PSIના મકાનમાંથી રૂ.5.30 લાખની ચોરી કરી ચોરો ફરાર

વડોદરાના બીલ રોડની અશોક વાટિકા સોસાયટીમાં આવેલ ગાંધીનગર રેન્જ આઈ.જી.ના રીડર PSIના મકાનમાં ચોરી થઈ : CCTVમાં 4 તસ્કરો કેદ

વડોદરા તા.14 : વડોદરામાં તસ્કરોએ PSIના ઘરને નિશાન બનાવ્યું હતું. બંધ પડેલા PSIના મકાનમાંથી 5.30 લાખની મત્તાનાં રોકડ અને દાગીનાની ચોરી થઈ હતી. આ અંગેની જાણ થતા પોલીસે CCTVના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

વડોદરા શહેરના બીલ રોડ શગુન પાર્ટીપ્લોટ પાસેના રહેણાંક વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરો અશોક વાટિકા સોસાયટીમાં રહેતાં ગાંધીનગર રેન્જ આઈજી ના રીડર પી.એસ આઈ ના બંધ મકાનને નિશાન બનાવીને રૂ.5.30 લાખની મત્તા ચોરી ગયા હતા.

રીડર પી.એસ.આઈ.એ મોબાઈલ ફોન સાથે જોડાયેલા મકાનના સીસીટીવી ચેક કરતાં તા.11મી ઓગસ્ટે મધરાતે 1.37થી 2.28ના સમયગાળામાં તેમના મકાનમાં ચોરી થઈ હતી. લોખંડની પાઈપ પથ્થર સહીતના ઓજારો લઈને બારી તોડીને બહાર નીકળતા ચોર જોયા હતા. માંજલપુર પોલીસે તપાસ શરુ કરી છે.

બીલ રોડ, અશોક વાટીકા સોસાયટીમાં રહેતાં પારુલબેન રાજેશભાઈ બ્રહ્મભટ (ઉ.વ.53) હાઉસ વાઈફ છે. તેમના પતિ ગાંધીનગર સ્થીત રેન્જ આઈ.જી.ના રીડર પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવે છે. તેમના બંન્ને સંતાન કેનેડા રહે છે. તા.7મી ઓગસ્ટે મકાન બંધ કરીને પારુલબેન ગાંધીનગર ગયા હતા. તા.12મીએ પતિએ મોબાઈલ ફોન સાથે ક્નેકટેડ વડોદરાના ઘરના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા ત્યારે તેમાં 4 જણાં ઘરમાંથી ચોરી કરીને બારી તોડીને બહાર નીક્ળતાં દેખાયા હતા. ઘરે આવીને તપાસ કરતાં કબાટમાંથી રોકડા રૂ.30 હજાર તેમજ રૂ.5 લાખની કિંમતના સોનાના દાગીના મળીને રૂ.5.30 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું સપાટી ઉપર આવ્યુ હતુ. માંજલપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચોર ટોળકીની શોધખોળ આરંભી છે.

(10:12 pm IST)