Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી: વ્‍યાજખોરે વેપારીને ધક્કો મારી ગ્રાઉન્‍ડ ફલોરથી ૧ર ફૂટ નીચે પાડતા વેપારીનું મોત

અમદાવાદ :અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી રહ્યો છે કે જાણે પોલીસ કે કાયદાનો ડર તેમને રહ્યો જ નથી. નિકોલ વિસ્તારમાં વ્યાજખોરો દ્વારા વેપારીએ લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણીના કિસ્સામાં વેપારીનો ભોગ લેવાયો. વ્યાજખોરોએ વેપારીને ધક્કો મારીને ગ્રાઉન્ડ ફ્લોરથી 12 ફૂટ નીચે પાડી દેતા સારવાર દરમ્યાન વેપારીનું મોત નિપજ્યું છે. જે અંગે સીસીટીવી આધારે નિકોલ પોલીસે ફરિયાદ નોંધી બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

અમદાવાદમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વેપારી અમિત શાહે ઘંધા માટે 4 વર્ષ પહેલા કાંચા ઉર્ફે મિર રાણા પાસેથી 1 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. વેપારીએ રૂપિયા વ્યાજે લીધા બાદ કાંચો ઉર્ફે મિર રાણા વેપારી પાસે અવાર નવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હતો. વેપારીએ કાંચાને તેનું વ્યાજ ભરપાઈ કરવા માટે દુકાન માલિક કનુભાઈ અને રાજભા પાસેથી ડેઇલી રિકરિંગથી વીસ હજાર રૂપિયા વ્યાજે લીધા અને તે વીસ હજાર વ્યાજ પેટે કાંચાને ચૂકવ્યા હતા. હવે રાજભા અને કનુભાઈ પાસેથી ડેઇલી રિકરીંગથી લીધેલા રૂપિયા ચૂકવવાનાં હતા, પરંતુ વેપારી અમિતભાઇને ધંધામાં મંદીને કારણે તેવો રાજભા અને કનુભાઈને પૈસા ચૂકવ્યા ન હતા. જેથી અમિતે નિકોલમાં આવેલી સ્પાની દુકાનની બહાર આવેલી રેલીંગ પર બેઠા હતા. ત્યારે કાંચા ઉર્ફે મિર રાણાએ તેને રેલીંગ પરથી નીચે જાનથી મારી નાંખવાની ધમકી આપી રેલીંગથી 12 ફૂટ નીચે ફેંકી દીધો હતો. સારવાર દરમ્યાન અમિતનું મોત નીપજ્યું છે. જોકે આ અંગે વેપારીની પત્નીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. 

પોલીસને ફરિયાદની હકીકતમાં મળેલી વિગતો અનુસાર, મૃતક અમિતભાઈને કાંચા ઉર્ફે મિર રાણાએ રૂપિયા વ્યાજે આપ્યા હતા, જેનું વ્યાજ ચૂકવણી કરવા સ્પા સંચાલક અમિતભાઈ તેની દુકાનનાં માલિક કનુભાઈ અને રાજભા પાસેથી રૂપિયા લીધા હતા. જોકે અમિતભાઈએ કનુભાઈ અને રાજભા પાસેથી લીધેલા રૂપિયા પરત નહિ આપી શક્તા કનુભાઈ અને રાજભાએ કાંચાને અમિતભાઇની દુકાને ઉઘરાણી માટે મોકલ્યો હતો. સમગ્ર મામલે પોલીસે રાજેશ ઉર્ફે રાજભા પ્રજાપતિ, કનુભાઈ ઉર્ફે કનુભા ગળચરની ધરપકડ કરી છે, તો મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણા ફરાર છે.

નિકોલ પોલીસે હાલ મુખ્ય આરોપી કાંચા ઉર્ફે મિર રાણાને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. ત્યારે કાંચા ઉર્ફે મિર રાણા વિરુદ્ધ અમદાવાદના અમરાઈવાડી, ખોખરામાં હત્યાનાં પ્રયાસનો ગુનો, ખોખરામાં રાયોટિંગ તેમજ પાલડીમાં પણ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. જોવાનું એ રહ્યું કે, પોલીસ હવે શું નક્કર કાર્યવાહી કરે છે જેનાથી આવા વ્યાજખોરો પર કાયદાનો ડર રહે. 

(12:07 pm IST)