Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

રાત્રે ઘર બહાર સુતા લોકોના ફોન ચોરી થવાના ઘણા કિસ્સા

ઘરની બહાર સુતેલા લોકોએ ચેતવું જરૂરી છે : સોલા વિસ્તારમાં પણ ફોન ચોરીનો આવો બનાવ બનતા પોલીસે નંબર ટ્રેસ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે

અમદાવાદ, તા.૧૪ : ગરમીના લીધે ફળિયામાં કે પ્રાંગણમા ઊંઘ લઈ રહેલા અનેક લોકોએ પોતાના મોબાઈલ ફોન ગુમાવ્યા હતા. જોકે પોલીસે એક ફરિયાદ આવતા નંબર ટ્રેસ કરી એક આરોપીને પકડી પાડ્યો છે અને ૨૧ મોબાઈલ ફોન કબજે કર્યા હતા. તાજેતરમાં સોલા વાડજ નારણપુરા જેવા વિસ્તારોમાં રાત્રી દરમિયાન ઘરની બહાર સુતા લોકોના ફોન ચોરી થવાના કિસ્સા વધ્યા હતા. સોલામાં પણ આવો બનાવ બનતા પોલીસે નંબર ટ્રેસ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુનિલ રાઠોડ નામનો આરોપી મોબાઇલ ચોરીના ગુનામાં પકડાયો છે.

આરોપી સુનિલ રાત્રી દરમિયાન નશો કરતો હતો અને નશામાં ને નશામાં તે ફરવા નીકળી જતો હતો. જ્યાં જ્યાં કોઈ વ્યક્તિ ઘરની બહાર સૂતું હોય અથવા ઘરમાં ફોન ચાર્જીંગમાં મૂકી બહાર ભર ઊંઘમાં હોય તો આરોપી સુનિલ ફોન સેરવી ફરાર થઇ જતો હતો .પોલીસે એક ગુનામાં તેની ધરપકડ કરી પણ આરોપી પાસેથી ૨૧ મોબાઈલ ફોન કબજે કર્યા છે  ત્યારે ખુદ પોલીસ માને છે કે ઘરની બહાર સુતેલા લોકોએ ચેતવણી જરૂર છે. મોબાઈલ ફોન તકિયા નીચે અથવા ઘરમાં મૂકીને સુવાની આદત ચોરીનો ભોગ બનાવતા બચાવી શકે છે.

(9:06 pm IST)