Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

એરપોર્ટ ટર્મિનલ તરફ જતા રોડની અત્યંત ખસ્તા હાલત

એરપોર્ટ પર લોકોની અવરજવર હોય છે : કેન્ટોનમેન્ટ વિસ્તાર બાદ એરપોર્ટ સર્કલથી સરદાર પટેલની પ્રતિમા તરફ જવાનો માર્ગ હાલ ખાડાથી ભરેલો છે

અમદાવાદ, તા.૧૪ : અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કોર્પોરેટ ગૃપ અદાણીને સોંપાયા બાદથી સતત કોઇના કોઇ વિષયને લઇને વિવાદો સર્જાતા રહે છે. પછી તે શરૂઆતમાં નામકરણનો મામલો હોય, ટેક્સી પાર્કિંગના ચાર્જિસ હોય, કે પછી એરપોર્ટ પરિસરમાં ફૂડ સ્ટોલ શરૂ કરવાની બાબત હોય. વખતે એરપોર્ટ ટર્મિનલ તરફ જતા રોડની અત્યંત ખસ્તા હાલતનો મામલો છે.

અમદાવાદનું સરદાર પટેલ ઇન્ટનેશનલ એરપોર્ટ સરકારના હાથમાંથી ખાનગી હાથમાં ગયુ ત્યારથી વિવાદમાં રહેવા લાગ્યુ છે. કોર્પોરેટ જૂથ અદાણી દ્વારા અમદાવાદ એરપોર્ટનુ સંચાલન સંભાળવામાં આવ્યુ ત્યારથી કોઇનેકોઇ વિષયને લઇને વિવાદ સર્જાતા રહે છે.

અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય લોકોની અવરજવર તો હોય છે પરંતુ સમયાંતરે રાજ્યના મુખ્ય સચિવથી લઇને અન્ય ઉચ્ચ અધિકારી કે પછી દિલ્હીથી આવતા કેન્દ્ર કરકારના મંત્રીઓ અને અધિકારીઓ પણ એરપોર્ટ પર આવ્યા બાદ મોટર માર્ગે ત્યાં રસ્તા પરથી પસાર થાય છે. ત્યારે એરપોર્ટના ડોમેસ્ટીક કે પછી ઇન્ટરનેશનલ ટર્મિનલ તરફ જવાના માર્ગની હાલત જુઓ, તો એમ થાય કે શું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે કે કોઇ નાનકડા શહેરમાં આવેલી હવાઇ પટ્ટી..??? કેન્ટોનમેન્ટ વિસ્તાર બાદ એરપોર્ટ સર્કલથી સરદાર પટેલની પ્રતિમા તરફ જવાનો માર્ગ હાલ ખાડાથી ભરેલો છે.

પોતાની વૈભવી ગાડીમાં એરપોર્ટ પર આવતા કે પછી અમદાવાદમાં પ્રવેશ મેળવતા કોઇપણ મુસાફરને ખાડા અને ઉખડી ગયેલી કપચી જોઇને તો તેઓ અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા હોય એવો અનુભવ નહી થતો હોય.હાલ તો કોર્પોરેટર ગૃપ અદાણીના એરપોર્ટ ઉપરાંત તેના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોના સંચાલનને લઇને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જોવાનુ રહેશે કે ક્યાર સુધીમાં તેઓ ખસ્તા થઇ ગયેલા રોડનું રીપેરીંગ કરે છે.

(9:05 pm IST)