Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગાંધીનગર નજીક આવેલ ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં ફિટ કરવામાં આવેલ વીજ વાયરથી યુવાનનું મોત નિપજતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

ગાંધીનગર:શહેર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ખેતરમાં ઘુસી જતાં પશુઓને અટકાવવા માટે વાડમાં પસાર કરાતાં વીજ કરંટથી વલાદ ગામના ખેતરમાં ગામનો યુવાન દુધ ભરાવી પરત ફરી રહયો હતો તે દરમ્યાન આ વીજ ઝાટકાથી તેનું મોત નીપજયું હતું. આ મામલે વિદ્યુત નિરીક્ષકની તપાસ બાદ યુવાનના પિતાએ ખેડૂત અને ખેતરના ભાગીયા સામે સહ અપરાધ મનુષ્યવધની ફરીયાદ આપતાં ડભોડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.   

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા વલાદ ગામમાં રહેતા જશુભાઈ શંકરભાઈ દંતાણીનો ૧૮ વર્ષીય પુત્ર સંજય ગત તા.ર એપ્રિલના રોજ સવારના સમયે દુધ ભરાવવા માટે ચાલતો નીકળ્યો હતો અને ફીરોજપુર ગામેથી દુધ ભરાવીને પરત ફરી રહયો હતો તે દરમ્યાન સવારે આઠ વાગ્યાના સુમારે વલાદ ગામની સીમમાં આવેલા નટુભાઈ સરદારભાઈ ઠાકોર અને તેમના ભાગીયા તરીકે કામ કરતાં દીપકભાઈ ભગવાનદાસ નાયક દ્વારા ખેતરના સેઢે કરવામાં આવેલી તાર ફેન્સીંગમાં વીજ કરંટ પસાર કર્યો હોવાથી કરંટ લાગતાં સંજયનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. આ સંદર્ભે ડભોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો અને પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં પણ વીજ કરંટથી મોત થયાનું બહાર આવ્યું હતું. આ સંદર્ભે વીજ કંપની દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી અને વીજ કરંટ માટે ઝાટકા મશીનનો ઉપયોગ થયો હોવાનું વિદ્યૃત નિરિક્ષક દ્વારા તપાસ બાદ રીપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના અનુસંધાને જશુભાઈ દંતાણીએ ડભોડા પોલીસમાં ફીરોજપુરના નટુભાઈ ઠાકોર અને તેમના ભાગીયા દીપકભાઈ ભગવાનદાસ નાયક સામે ફરીયાદ આપતાં પોલીસે સહ અપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે. 

(4:39 pm IST)