Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગળતેશ્વર તાલુકાના ડાભસર નજીક મહીકેનાલના પુલની આસપાસ ગાબડાં પડી જતા લોકોમાં ભયનો માહોલ

ખેડા:જિલ્લાના ગળતેશ્વર તાલુકા ડાભસર પાસે મહીકેનાલના પુલની આસપાસ ગાબડા પડી જતાં લોકોમાં ફફડાટ પેઠો છે. ગ્રામજનો માટે જીવદોરી સમાન આ પુલની બન્ને બાજુ તિરાડો પડી જતાં અને મોટા મોટા કાણા સર્જાતા ગ્રામજનોને મોટી હોનારતનો ભય પણ સતાવી રહ્યો છે.

ડાભસર મહીકેનાલના આડ બંધની પાસે પુલની બન્ને બાજુએ તિરાડો પડી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. પુલ બેસી જવાના ભયને લીધે ગ્રામજનો પુલ પરથી પસાર થતાં ડરી રહ્યા છે. બિસ્માર પુલ અને બન્ને તરફની તિરાડોને લીધે વાહનચાલકો ભારે જોખમ ખેડીને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે. પુલ પાસે સતત અકસ્માત સર્જાવવાનો ભય ઊભો થયો છે.  પુલ અને કેનાલ પાસે ઘણે ઠેકાણે કાણા પણ પડી ગયેલા જોવા મળે છે. કેનાલની પાસે જ આવેલા એક નાના મંદિરની બાજુમાં ૧૫થી ૨૦ ફૂટ ઊંડો ખાડો પડી ગયો છે. ગ્રામજનો દ્વારા ભયને લીધે ગયા વરસે કામચલાઉ માટી અને રેત ભરીને આ ખાડો પૂરી દેવામાં આવ્યો હતો. જોકે આ વરસના પહેલા જ વરસાદમાં આ માટી ધોવાઈ જતાં ખાડો ફરી હતો તેવો થઈ ગયો છે. પુલ અને આડબંધના દરવાજા પાસે પડેલા આવા ગાબડાઓને લીધે ગ્રામજનોમાં પુલ તૂટી જવાનો ફફડાટ રહે છે. આ સ્થિતિને કારણે ગ્રામજનોએ સતત આ વિસ્તારમાં હોનારત ઘટવાના ભયનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક ખેડૂતો માટે ગામમાંથી ખેતરમાં જવાનો આ એક માત્ર રસ્તો હોવાથી તેમને રસ્તો બંધ થઈ જવાનો પણ ડર સતાવી રહ્યો છે.  તાત્કાલિક આ પુલ અને તેની આસપાસ સમારકામ કરાવવામાં આવે તેવી માંગણી  પ્રબળ બની છે.

(4:38 pm IST)