Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આણંદ નજીક વઘાસી ગામની સીમમાં ટ્રેકટરના શોરૂમમાં હારજીતનો જુગાર રમતા 6 શકુનિઓને પોલીસે ઝડપી પાડયા

આણંદ : આણંદ પાસેના વઘાસી ગામની સીમમાં એક ટ્રેક્ટરના શોરૂમની ઓફિસના મકાનનાં આણંદ ગ્રામ્ય પોલીસે ઓચિંતો છાપો મારી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા છ શકુનીઓને ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી કુલ્લે રૂા.૭.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ તમામ શખ્શો વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આણંદ રૂરલ પોલીસની ટીમ ગતરાત્રિના સુમારે પેટ્રોલીંગમાં હતી ત્યારે આણંદ પાસેના વઘાસી ગામની સીમમાં આવેલ એક ટ્રેક્ટરના શોરૂમના મકાનમાં બહારથી શખ્શો બોલાવી મેનેજર દિપકભાઈ હરિઓમભાઈ ચૌધરી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમાડી રહ્યો હોવાની ગુપ્ત બાતમી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતાં પાનાપત્તાનો જુગાર રમતા શખ્શોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમ્યાન પોલીસે કોર્ડન કરી રાજુભાઈ અમૃતભાઈ ઠાકોર (રહે.સારસા), રાજેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ ગોહેલ (રહે.સીંગલાવ), મનોજભાઈ પુનમભાઈ પરમાર (રહે.સારસા), રમેશભાઈ સોમાભાઈ વસાવા (રહે.મોગરી), ધાર્મિકભાઈ પ્રવિણભાઈ પટેલ (રહે.ભાવનગર) અને દિપકભાઈ હરિઓમભાઈ ચૌધરી (રહે.વઘાસી)ને સ્થળ પરથી ઝડપી પાડયા હતા. પોલીસે દાવ પરથી તેમજ પકડાયેલ શખ્શોની અંગજડતી લેતાં રોકડા રૂ.૪૦,૫૦૦ તેમજ બે મોટરકાર, એક મોટરસાયકલ અને મોબાઈલ ફોન સહિત કુલ્લે રૂા.૭,૭૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલ તમામ શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(4:37 pm IST)