Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગાંધીનગરના માણસા તાલુકાના સોજા ગામમાં દૂધની ડેરી ચલાવતા વૃધ્ધે બાકી નીકળતા પૈસાની ઉઘરાણી કરતા શખ્સ અકળાયો:વૃદ્ધ પર હુમલો કરતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : માણસા તાલુકાના સોજા ગામમાં દુધની ડેરી ચલાવતાં વૃધ્ધે ગામના જ રહીશ પાસે બાકી નળકીતાં રૃપિયા માંગતાં ઉશ્કેરાઈ ગયા હતા અને વૃધ્ધને ધોકો માર્યો હતો અને ઉપરાણું લઈ આવેલા બે પુત્રોએ પણ વૃધ્ધને માર માર્યો હતો. ઘાયલ વૃધ્ધને સારવાર માટે ખસેડાયા હતા જેમને ફ્રેકચર હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે કલોલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.     

આ ઘટનાની પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે માણસા તાલુકાના સોજા ગામે લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતાં ચંદુભાઈ કચરાભાઈ પટેલ ગામમાં દુધની ડેરી ચલાવે છે. ગઈકાલે સાંજના સમયે તે અને કર્મચારી બકાજી ચૌહાણ ડેરી ઉપર હાજર હતા તે સમયે સોજા ગામમાં જ રહેતા વિક્રમસિંહ ચાવડા બાજુના પાનના ગલ્લે આવ્યા હતા. આ સમયે ચંદુભાઈએ બાકી નીકળતાં પપ૦૦ રૃપિયા માંગતાં વિક્રમસિંહ જોરજોરથી ગાળો બોલવા લાગ્યા હતા અને તેમનો અવાજ સાંભળી તેમના બે પુત્રો લાલો અને ડીગો ત્યાં આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ વિક્રમસિંહે તેમના હાથમાં રહેલો ધોકો ચંદુભાઈને માર્યો હતો અને તેમના બે પુત્રોએ પણ ચંદુભાઈને માર માર્યો હતો. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વધુમારમાંથી છોડાવ્યા હતા. જતા જતાં આ શખ્સો કહી ગયા હતા કે આજે તો તુ બચી ગયો છે પરંતુ હવે જાનથી મારી નાંખીશું. ઘાયલ વૃધ્ધને સારવાર માટે કલોલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં તેમને ફ્રેકચર હોવાનું બહાર આવ્યું હતું. હાલ તો કલોલ તાલુકા પોલીસે વૃધ્ધની ફરીયાદના આધારે પિતા અને બે પુત્રો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

(4:36 pm IST)