Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સુરતના કાર મેળામાં ટેસ્‍ટ ડ્રાઇવના બહાને 2 શખસો કાર લઇને નાસી છૂટયાઃ કાર મેળાના કર્મચારીને ચાલુ કારમાંથી ફેંકી દેવાની ધમકી આપીને અધવચ્‍ચે ઉતારી દીધો

સીસીટીવી ફુટેજમાં સમગ્ર ઘટના કેદઃ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા દોડધામ

સુરત: સુરતમાં કાર ચોરીનો અજીબ બનાવ બન્યો છે. કાપોદ્રા સ્થિત નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ કરી છે. ગણતરીની મિનિટમાં બે ઠગોએ કાર માલિકને લાખોનો ચૂનો ચોપડ્યો છે. બે ઠગ ભેજાબાજ ટેસ્ટ ડ્રાઇવના બહાને કાર લઈને ફરાર થયા હતા. કાર મેળાના કર્મચારીઓને ચાલુ કારમાંથી ફેંકી દેવાની ધમકી આપીને અધવચ્ચે ઉતારી દેવાયા હતા અને બંને ઠગ કાર લઈને ફરાર થયા હતા. જોકે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સુરતના કાપોદ્રા સ્થિત નાના વરાછામાં કાર મેળામાં લાખોની ઠગાઈ કરી હતી. નાના વરાછા વિસ્તારમાં કાર મેળાનું આયોજન કરાયુ હતું. મિતુલભાઈ વેકરીખા કારની લે-વેચનો વ્યવસાય કરે છે. તેમણે હાલ 1 ઓગસ્ટના રોજ નાના વરાછાના ઢાળ પાસે બિઝનેસ શરૂ કર્યો હતો. 11 ઓગસ્ટના રોજ તેમના કાર મેળામાં બે શખ્સ આવ્યા હતા. બંને શખ્સો બારડોલીથી આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે હ્યુન્ડાઈ કંપનીની આઈ-20 ફોરવ્હીલર ગાડી લેવાની છે તેવુ કહ્યું હતું. તેથી મિતુલભાઈ બંને શખ્સોને કાર બતાવવા ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયા હતા.

ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન સરથાણા જકાતનાકા પ્રાણી સંગ્રહાલય પર ગાડી પહોંચી હતી, ત્યારે બંને શખ્સોએ માવા ખાવાના બહાને ગાડી ઉભી રાખી હતી. બંને શખ્સોએ મિતુલભાઈને માવો લઈ આવવા કહ્યું હતું. પણ તેમણે ના પાડતા બંને ઉશ્કેરાયા હતા. બંને જણાે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. તેઓએ મિતુલને કહ્યું હતું કે, 'અહીયા છાનો માનો ઉતરી જા નહી તો રસ્તામાં ફેકી દેઈશું.'

બંને શખ્સો આટલેથી અટક્યા ન હતા. બંનેએ મિતુલભાઈને ગાડીથી નીચે ઉતાર્યા હતા અને ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. ત્યારે આ મામલે મિતુલભાઈએ સુરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે અજાણ્યા શખ્સો સામે 4,65,000ની કિંમતની હુન્ડાઈ કંપનીની આઈ-20 ગાડીની ચોરીની ફરિયાદ નોંધાવી છે.

(3:56 pm IST)