Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આઇ.આઇ.ટી.ઇ.ના ૨૫૦૦ તાલીમાર્થીઓ શ્રેષ્ઠ શાળાઓમાં શિક્ષક તરીકે અનુભવ મેળવશે

ગાંધીનગર,તા. ૧૪ : ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન-આઇઆઇટીઇ) દ્વારા યુનિવર્સિટી તથા સંલગ્ન બીએડ સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેતા શિક્ષક તાલીમાર્થીઓ માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની સહભાગીતાથી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આઇઆઇટીઇ તથા સંલગ્ન સંસ્થાઓના ૨૫૦૦ થી વધુ તાલીમાર્થીઓ આગામી ૨૧ ઓગસ્ટથી ૨૦ ઓકટોબર સુધીના બે માસના સમયગાળામાં રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરોમાં આવેલી સરકારી શાળઓમાં ઇન્ટર્નશિપ કરીને કાર્યાનુભવ મેળવશે.

આ નવતર પ્રયોગ વિશે માહિતી આપતા આઇઆઇટીઇના બીએડ-એમએડ વિભાગના વડા અને ઇન્ટર્નશિપના પ્રયોગના સંયોજક ડો.વિરલ જાદવે જણાવ્યું 'ઇન્ટર્નશિપ એ બીએડ અભ્યાસક્રમનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે જેમાં શિક્ષણ ક્ષમતાઓથી પરિચિત થવાનું હોય છે. અને શિક્ષણ કાર્ડનો મહાવરો કેળવવાનો હોય છે. અમે આઇઆઇટીઇના કુલપતિશ્રી ડો.હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ પ્રશિક્ષણ ક્ષેત્રમાં આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં ટીચર યુનિવર્સિટી તરીકે અમે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને રાજ્યના ૩૩ જિલ્લા અને ૭ મહાનગરમાં આવેલી સેન્ટર ઓફ એકસલન્સનો દરજ્જો પામેલી સરકારી શાળાઓમાં શિક્ષક તાલીમાર્થીઓને ઇન્ટર્નશીપ માટે મોકલીશું. જ્યાં તેમને શિક્ષણનો કાર્યાનુભવ મળશે.

(12:47 pm IST)