Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વનો થનગનાટ

આચાર્ય દેવવ્રતજી રોપ-વે સફર કરી મ્યુઝિયમ નિહાળશે : સાંજે ૧૦૩ મિનિટનો સાંસ્કૃતિક કાર્યક્રમ : કાલે વિજયભાઇ રૂપાણી ધ્વજવંદન કરાવશે : રવિવારે ૨૮ ડોગનો પાંચ મિનિટનો ડોગ શો, ૧૦ હજાર વોર્ન કેમેરા પોલીસ તંત્રને અપાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૪ : રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે દેશના ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આ સાથે લોકોમાં ઉત્સાહ - ઉમંગ જોવા મળી રહ્યો છે.  ૭૫માં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીની તૈયારીઓને ગઇકાલે તંત્ર દ્વારા અંતિમઓપ આપી દેવામાં આવ્યો હતો. કોઇપણ પ્રકારની કચાશ રહે નહિ તે પ્રકારનું તમામ આયોજન કરી લેવામાં આવેલ છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે બપોર બાદ જૂનાગઢ આવી રહ્યા છે. તેઓ આજે સાંજે ૬.૩૦ કલાકથી કૃષિ યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત મેગા ઇવેન્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં પ્રતિભાશાળી વ્યકિતઓનું સન્માન, જિલ્લા પરિચય પુસ્તિકા અને તૌકતે વાવાઝોડામાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેના કોફી ટેબલ બુકસનું વિમોચન થશે.

૧૦૩ મિનિટની ઇવેન્ટમાં તારા નામમાં ઓ સ્વતંત્રતા થીમ પર યોજાનારા કાર્યક્રમમાં ૧૨૦ કલાકારો સ્વાતંત્ર્ય વીરો ગરબડદાસ મુખી, મુળુ માણેક, શામળદાસ ગાંધીની ગાથા રજુ કરશે તેમજ ગાંધીજીનો મુકદમા આરઝી હકુમત વગેરે પ્રસ્તુત કરાશે.

ઉપરાંત વિવિધ નૃત્ય રજુ કરીને ઉપસ્થિત લોકોને મનોરંજન પુરૂ પાડશે. ૧૦૩ મિનિટની ઇવેન્ટ આકર્ષણરૂપ બનશે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આજે બપોરના જૂનાગઢ આવ્યા બાદ રોપ-વેની સફર કરી ગિરનારના સ્થળો સ્થાનકો નિહાળશે. બાદમાં દરબાર હોલ મ્યુઝિયમની મુલાકાત લેશે. આ પછી તેઓ સાંજે ૬.૩૦થી કૃષિ યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ઇવેન્ટમાં ઉપસ્થિત રહેશે.

આવતીકાલ ૧૫ ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સવારના ૯ કલાકે ધ્વજવંદન કરશે. આ તકે પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે.

મુખ્યમંત્રીશ્રીના ઉદ્બોધન બાદ પોલીસ તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં ૨૮ ડોગનો પાંચ મિનિટનો ભવ્ય ડોગ-શો રજુ થશે.

બાદમાં સવારે ૧૦.૧૦ કલાકે ગાયક કલાકારો દ્વારા સામુહિક રાષ્ટ્રગીત રજુ થશે.

મુખ્યમંત્રીશ્રી સ્વાતંત્ર્ય સેનાનીઓનું બહુમાન કરશે અને લોકોનું અભિવાદન ઝીલશે. સ્વાતંત્ર્ય પર્વની ખુશાલીએ મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ જિલ્લાને વિકાસ કાર્યો માટે રૂ. ૭.૫૦ કરોડનો ચેક અર્પણ કરશે.

૧૫ ઓગસ્ટના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કુલ ૮૭ મિનિટનો કાર્યક્રમ આયોજીત કરાયેલ છે. આ વિસ્તારમાં ટ્રાફિક નિયમન જળવાય રહે તે માટે બીલખા રોડ સ્થિત સ્વામીનારાયણ ગેઇટથી રસ્તા પરના વાહનોને અન્ય માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે જૂનાગઢની વિવિધ સરકારી ઇમારતો, પ્રવેશદ્વારો વગેરે નવા રંગરૂપ આપી સુશોભિત કરવાની સાથે ઇલેકટ્રીક રોશનીથી ઝળહળાટ કરવામાં આવ્યો છે.

સમગ્ર આયોજનની સફળતા, સુરક્ષા તેમજ કાયદો - વ્યવસ્થા માટે કલેકટર રચિત રાજ, ડીજીપી આશિષ ભાટીયા, ડીઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને એસપી રવિ તેજા, વાસમ સેટ્ટી માટે મોટા પાયે પ્રબંધ કરાયો છે.

(11:45 am IST)