Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

પરિણામ આધારીત ગ્રાન્ટ નિતી રદ કરી તમામ શાળાઓને ગ્રાન્ટ મળે તેવી શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં રજૂઆત

વિવિધ શૈક્ષણિક સંગઠનોના 24 જેટલા હોદ્દેદારો અને શિક્ષણ વિભાગના 7 અધિકારીઓની વિવિધ પ્રશ્નોને લઈને બેઠક મળી: વિવિધ 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા

અમદાવાદ :પરિણામ આધારીત ગ્રાન્ટ નિતી રદ કરી તેના બદલે તમામ શાળાઓને ગ્રાન્ટ મળે તે માટે શિક્ષણ વિભાગ સાથેની બેઠકમાં રજૂઆત થઈ હતી. ગાંધીનગર ખાતે રાજ્યના વિવિધ શૈક્ષણિક સંગઠનોના 24 જેટલા હોદ્દેદારો અને શિક્ષણ વિભાગના 7 અધિકારીઓની વિવિધ પ્રશ્નોને લઈને એક બેઠક મળી હતી. જેમાં શિક્ષકો અને શિક્ષણને લગતા વિવિધ 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

ગ્રાન્ટ ઉપરાંત હંગામી વર્ગોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. શાળાઓમાં આંકડાશાસ્ત્રના શિક્ષકો મળતા ન હોવાથી કોમર્સ વિષયના ઉમેદવારોથી જગ્યા ભરવા માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. આ મુદ્દાઓ પર 20 ઓગસ્ટ સુધીમાં યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી છે.

ગુજરાતના વિવિધ શૈક્ષણિક સંગઠનોના હોદ્દોદારો સાથે શિક્ષણ વિભાગના અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દાઓને જેવા કે શિક્ષકો અને શિક્ષણ સહિતના વિવિધ 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જેમાં બે વર્ગની શાળાઓમાં આચાર્ય સહિત ચાર શિક્ષકોનું મહેકમ મંજુર કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ બેઠકમાં ગ્રાન્ટેડ શાળાઓની પરિણામ આધારીત ગ્રાન્ટની નિતી અંગે પણ ખાસ ચર્ચા થઈ હતી. જેમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અનુદાન પરિણામ ઉપર આપવામાં આવે છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તાર, પછાત વિસ્તાર, આદિવાસી વિસ્તારની શાળાઓમાં અનુદાન મળતું નથી. જેથી પરિણામ આધારીત ગ્રાન્ટની નિતી દુર કરી તમામ શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવે તેવી રજુઆતો વિવિધ શૈક્ષણિક સંગઠનોએ કરી હતી.

ઉપરાંત હાલમાં શાળાઓમાં વધારાના વર્ગોની જરૂરીયાત ઉભી થતાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-11 અને ધોરણ-12 માટે હંગામી વર્ગોને મંજુરી આપવાની જાહેરાત કરી હતી. જેથી આ હંગામી વર્ગો માટે પ્રવાસી શિક્ષકો આપવા માટે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી.

રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સ્ટેટેસ્ટીક્સ વિષયના ઉમેદવારો ન મળતા આ જગ્યાઓ કોમર્સ વિષયના ઉમેદવારોથી ભરવામાં આવે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે જૂના શિક્ષકોની ભરતી ફરી શરૂ કરવા માટે પણ જણાવાયું હતું. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદનીશ પ્રયોગશાળા શિક્ષકની ભરતી કરવા માટે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા CTETના પ્રમાણપત્રને આજીવન માન્યતા આપવામાં આવી છે. તે જ રીતે HMAT, TAT પ્રમાણપત્રની માન્યતા પણ જૂની અસરથી આજીવન ગણવામાં આવે તે માટે બેઠકમાં મુદ્દો ચર્ચાયો હતો.

ગ્રાન્ટેડ શાળાઓમાં સેવા બજાવતા કર્મચારીઓને પતિ-પત્નિના કિસ્સામાં બદલીનો લાભ આપવા માટે તેમજ ગ્રંથપાલની ભરતી માટે રજૂઆત કરવામાં આવી હતી. ઉચ્ચતર માધ્યમિક શાળાના વ્યવસાયલક્ષી શિક્ષકોને ફાજલ તરીકે કારકુન કે શિક્ષક તરીકે સમાવેલ છે, તેઓની લાયકાત માન્ય રાખી તેમને ઉચ્ચ પગાર ધોરણ અને પેન્શનના બાબતે ખાસ કિસ્સામાં મંજુરી આપવા માટે પણ જણાવાયું હતું.

(9:18 am IST)