Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. હા.ફા. કોર્પોરેશન લીમીટેડમાં તમામ બેઠક પર ભાજપનો જયજયકાર :કોંગ્રેસનો સફાયો

35 બેઠકોમાંથી 31 બેઠકો બિનહરીફ :ચાર બેઠકોમાં ગાંધીનગરની બે, સુરેન્દ્રનગર તથા નવસારીની એક એક બેઠકની ચૂંટણીમાં ભાજપની જીત

અમદાવાદ :ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. હા. ફા.કોર્પોરેશન લીમીટીડની બોર્ડ ઓફ ડીરેકટર્સની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. બોર્ડ ઓફી ડીરેકટર્સની 35 બેઠકોમાંથી 31 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થઇ હતી. જયારે આજે બાકીની ચાર બેઠકો ગાંધીનગરની બે, સુરેન્દ્રનગર તથા નવસારીની એક એક બેઠકની ચૂંટણી યોજાઇ હતી. આ બેઠકો પર પણ ભાજપે જીત હાંસલ કરીને બોર્ડ ઓફ ડિરેકટર્સની તમામ બેઠકો મેળવી લીધી છે. જયારે કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થઇ જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસે છ બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો. ભવ્ય વિજય મેળવવા બદલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ સભ્યોને અભિનંદન આપ્યા હતા.

ભાજપના સહકાર સંલના વડા બિપીન પટેલ ( ગોતા )એ જણાવ્યું હતું કે, ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.હા.ફા. કોર્પોરેશન લીમીટેડની તમામ બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકો ભાજપને ફાળે આવી છે. જે ભાજપ માટે અત્યંત ગૈરવી વાત છે. આ પરિણામ એ જ સિધ્ધ કરે છે કે, સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી ગ્રાહકો અને કાર્યકરોને ભાજપના વહીવટકર્તાઓ જે પારદર્શક અને કુશળ વહીવટ કરે છે તેના પર સંપૂર્ણ ભરોસો છે. નેતાવિહોણી કોંગ્રેસ પાસે કોઇ નીતિ કે ના કોઇ સિધ્ધાંત છે. જે આ પરિણામ પરથી સ્પષ્ટ થાય છે.

તેમણે વધુમાં કેન્દ્રીય ગુહમંત્રી તથા સહકારમંત્રી અમીત શાહના સહયોગથી એલ.આઇ.સી. તેમ જ હૂડકોએ ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.હા.ફા. કોર્પોરેશન લીમીટેડના ધિરાણ કરેલી લોનના વ્યાજની રકમ રૂપિયા 2854 કરોડ જેટલી રકમ માફ કરાવીને સંસ્થાને જીવતદાન આપ્યું છે. આ સંસ્થાનો સને 1994થી ઓડીટ વર્ગ ( ડ ) હતો. જે ગત વર્ષે ઓડીટ વર્ગ ( બ ) થયો છે. આગામી દિવસોમાં સંસ્થા ખૂબ જ પ્રગતિ સાથે આગળ વધશે. મુતપાય થયેલી સંસ્થાને ફરી જીવતદાન આપવા બદલ સંસ્થા વતી અમીત શાહનો આભાર માન્યો હતો.

(9:18 am IST)