Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ગુજકેટના તમામ વિદ્યાર્થીઓને 2 ગુણની લ્હાણી :ફીઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભૂલ હોય લેવાયો નિર્ણય

પ્રોવિઝનલ આન્સર કીને લઈને રજૂઆત કરવી હોય તો 17 ઓગસ્ટ સુધી બોર્ડ સમક્ષ રજૂઆત કરી શકાશે

 

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 6 ઓગસ્ટના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરાય તે પહેલા જ તમામ વિદ્યાર્થીઓને 2 ગુણની લ્હાણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડ દ્વારા શુક્રવારના રોજ ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જેમાં ફિઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં 2 પ્રશ્નોમાં ભુલ હોવાથી આ બે પ્રશ્નો માટે તમામ વિદ્યાર્થીઓને 1-1 એમ કુલ 2 ગુણ આપવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રોવિઝનલ આન્સર કીને લઈને રજૂઆત કરવી હોય તો 17 ઓગસ્ટ સુધી બોર્ડ સમક્ષ રજૂઆત કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

શિક્ષણ બોર્ડ દ્વારા ડિગ્રી ઈજનેરી, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે 6 ઓગસ્ટના રોજ ગુજકેટ લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાંથી 1.17 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગુજકેટ પુર્ણ થયા બાદ બોર્ડ દ્વારા વિષય તજજ્ઞો પાસે ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કરાવવામાં આવી હતી. આ આન્સર કી બોર્ડ દ્વારા શુક્રવારના રોજ જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પણ બોર્ડની વેબસાઈટ પર જઈ આન્સર કી જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

બોર્ડ દ્વારા મેથ્સ, ફિઝીક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમ ચાર વિષયની પ્રસ્નપત્ર સેટ નં-1થી 20ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી માધ્યમની આન્સર કી જાહેર કરવામાં આવી છે. આન્સર કી અંગે કોઈ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવેલા નિયત નમુનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત 17 ઓગસ્ટ સુધીમાં બોર્ડને ઈ-મેઈલ દ્વારા મોકલી આપવાની રહેશે.

ત્યારબાદ આવેલી કોઈપણ રજુઆતને બોર્ડ દ્વારા ધ્યાન પર લેવામાં આવશે નહીં. રજૂઆત માત્ર ઈ-મેઈલ દ્વારા જ સ્વિકારવાનું પણ નક્કી કરાયું છે. પ્રશ્નદીઠ રૂ. 500 ચલણથી ભરવાના રહેશે. રજૂઆત સાથે ચલણની નકલ પણ ઈ-મેઈલ મારફતે મોકલવાની રહેશે. જો ઉમેદવાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત સાચી હશે તો પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે.

બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલી પ્રોવિઝનલ આન્સર કીમાં તમામ વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ 2 ગુણ મળી ગયા છે. બોર્ડે જાહેર કરેલી આન્સર કી મુજબ ફિઝીક્સ – કેમેસ્ટ્રીના પેપરમાં બે પ્રશ્નોમાં ભુલ જણાઈ હતી. જેથી આ બે પ્રશ્નો માટે તમામ વિદ્યાર્થીઓને એક- એક એમ કુલ 2 ગુણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજકેટમાં પ્રશ્નપત્ર સેટ નંબર-1માં જોઈએ તો પ્રશ્ન નંબર-44 અને પ્રશ્ન નંબર-75માં ભુલ જણાઈ હતી. જેથી આ બે પ્રશ્નો માટે વિદ્યાર્થીઓને ગુણ આપવામાં આવનાર છે.

(11:13 pm IST)