Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ભાજપ સરકારના મંત્રીઓ 16થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં જન આશીર્વાદ યાત્રા કરશે

26 જીલ્લાંની 81 વિધાનસભા બેઠકો અને 18 લોકસભા બેઠકોમા પ્રજાના આશીર્વાદ મેળવશે: પ્રદિપસિંહ વાઘેલા

ભાજપ દ્વારા 16 ઓગસ્ટથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરવામાં આવનાર છે જેમાં રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ 16 થી 18 ઓગસ્ટ અને કેન્દ્રના કેબિનેટ મંત્રીઓ 19-21 ઓગસ્ટ દરમિયાન સરકારની કોરોનાની ગાઇડ લાઇનના નિયમોના પાલન સાથે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત પ્રજાના આશીર્વાદ પ્રાપ્ત કરવા જશે. જન આશીર્વાદ યાત્રામાં 43 મંત્રીઓ જોડાશે. આ દરમિયાન 212 લોકસભા અને 19 હજારથી વધુ કિલોમીટરની યાત્રાની શરૂઆત કરવામાં આવશે. જન આશીર્વાદ યાત્રા સમગ્ર દેશના 19 રાજયો અને 265 જીલ્લામાંથી પસાર થવાની છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે મંત્રી મંડળના દરેક મંત્રીઓ લોકો સાથે સંકળાયેલા હોવા જોઇએ દેરક નાગરીકોને મંત્રીઓ સાથે પોતીકાપણાની ભાવનાઓનો અનુભવ થાયે તે હેતુથી જન આશિર્વાદ યાત્રા નીકાળવામાં આવશે. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને જન આશીર્વાદ યાત્રાના પ્રદેશ ઇન્ચાર્જ પ્રદિપસિંહ વાઘેલાએ ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય“શ્રી કમલમ”ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મહિતી આપી હતી.

પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે 40 જેટલા નવા ચહેરાઓને દેશના અલગ અલગ રાજયોમાંથી મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ તમામ મંત્રીઓને જનતાના આશીર્વાદ લેવા માટે પોતાના મતવિસ્તાર સિવાય અલગ અલગ વિસ્તારમાં જઇને જન આશીર્વાદ મેળવશે. ગુજરાતના પાંચેય આગેવાનો 16 થી 21 દરમિયાન ગુજરાતની જનતા વચ્ચે જશે જેમા દર્શનાબેન જરદોશની યાત્રા 15મી ઓગસ્ટથી કરમસદથી શરૂ થશે અને સુરત ખાતે પૂર્ણ થશે, દેવુસિંહ ચૌહાણની યાત્રા 16મી ઓગસ્ટથી પાલનપુરથી શરૂ થશે અને નડિયાદ ખાતે પૂર્ણ થશે, ડૉ. મહેન્દ્ર મુંજપરાજીની યાત્રા પણ 16 ઓગસ્ટથી અમદાવાદથી શરૂ થશે અને સુરેન્દ્રનગર ખાતે પૂર્ણ થશે, ડૉ. મનસુખ માંડવીયાની યાત્રા 19 ઓગસ્ટથી રાજકોટથી શરૂ થશે અને ભાવનગર ખાતે પૂર્ણ થશે અને પરષોત્તમ રૂપાલાની યાત્રા 19 ઓગસ્ટથી ઉંઝાથી શરૂ થશે અને અમરેલી ખાતે પૂર્ણ થશે તેમ જણાવ્યું હતું.

પ્રદિપસીંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, જન આશિર્વાદ યાત્રાના માધ્યમથી 26 જીલ્લાંમાં પ્રવાસ કરશે. 81 જેટલી વિધાનસભા અને 18 લોકસભા વિસ્તારમા જઇ પ્રજાના આશીર્વાદ મેળવશે. કુલ 2277 કિ.મી.ની યાત્રામાં 151 જેટલા સ્થળો પર વિવિધ સમાજો અને સામાજીક સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવશે. પ્રજા વચ્ચે જઇ ભાજપ સરકારે કોરોનામાં કરેલી કામગીરી સહિત વિકાસના કામોની માહીતી આપશે અને યાત્રાના રૂટમાં આવતા તમામ ધાર્મિક સ્થળોએ દેવી દેવતાઓ સહિત સંતો અને મંહતોના દર્શન કરી આશિર્વાદ મેળવશે.

પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની સાથે ગુજરાત પ્રદેશના મીડિયા કન્વિનર ડૉ. યજ્ઞેશ દવે, પ્રદેશ ભાજપના સહ પ્રવકતા કિશોર મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.

(9:54 pm IST)