Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

સૌથી વધારે પ્રદૂષણ માટે ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ જવાબદાર છે : કોંગ્રેસે કાન ખેંચ્યો

પ્રદૂષણ ઘટાડવું હોય તો જાહેર પરિવહનની બસો CNGમાં પરિવર્તિત કરો:સરકાર હસ્તકના 15 ટકા વાહનો ભારે પ્રદૂષણ કરતાં હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ :પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વિહિકલ પોલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.’’ ત્યારે જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવામાં નીતિ – નિયત વિનાની ભ્રષ્ટ ભાજપ સરકાર સીધી જવાબદાર છે. જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રિમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે સ્ક્રેપ પોલીસી ખૂબ જ જરૂરી છે પરંતુ, આર્થિક રીતે નબળા, સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને મુશ્કેલી ના પડે તે પ્રમાણેની યોગ્ય સબસીડી આપ્યા પછી જ આ નીતિ અમલી બને તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં પ્રદૂષણ ઘટાડવાના હેતુથી એએમટીએસ (AMTS )ઓછી કરીને બીઆરટીએસ (BRTS)લાવવામાં આવી. પરંતુ, બીઆરટીએસમાં માત્ર 300 બસ જ દોડે છે. જેમાંથી 250 બસ ડીઝલથી ચાલે છે. 750 બસ એએમટીએસની છે. અમદાવાદની 65 લાખની વસ્તી સામે જાહેર પરિવહનની વ્યવસ્થા ખુબ જ જૂજ છે. એટલે કે, અમદાવાદમાં BRTS અને AMTS મળીને માત્ર અગિયારસો ( 1100 ) બસ દોડે છે. પ્રદૂષણ ઘટાડવું હોય તો જાહેર પરિવહનની તમામ બસોને સીએનજીમાં પરિવર્તિત કરો. તેમજ કોમર્શિયલ અને ભારે માલ વાહનોને CNGમાં પરિવર્તિત કરો.

ડો. દોશીએ જણાવ્યું કે, ભારતની સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદામાં તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોને સીએનજીમાં પરિવર્તિત કરવા જણાવ્યું હતું. ખરેખર તો સરકારે નગરપાલિકાઓના વાહનો અને એસટી નિગમની બસોથી શરૂઆત કરવી જોઈએ. સામાન્ય રીતે દ્રી – ચક્રીય વ્હીકલ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી પણ નીચેનો વર્ગ વાપરે છે. 15 વર્ષ જૂના વાહનો જે ફરજિયાત પણે સ્ક્રેપ કરવાના છે. આર્થિક રીતે નબળા હોય તેવા લોકોને સરકારે મહત્તમ સબસીડી આપવી જોઈએ.

રિક્ષાચાલકો કે જેની રોજીરોટી અને જીવન નિર્વાહનો એક માત્ર સાધન રીક્ષા છે તેવા રિક્ષાચાલકોને મહત્તમ સબસીડી આપવી જોઈએ. કોરોના કાળમાં અને લોકડાઉનના લીધે મધ્યમ વર્ગ રિક્ષાચાલકો અને ટેમ્પા જેવા માલવાહક સાધનો ધરાવતા લોકો અને આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી બની છે તેવા લોકોને ફરજિયાત પણે ઓછું વળતર આપીને તેમના વાહનો સ્ક્રેપ કરવામાં આવશે તો તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ થઈ જશે અને આત્મહત્યા કરવાના બનાવો પણ વધી જશે.

ટ્રાન્સપોર્ટરોના મતે આ પોલિસી કોરોનાને કારણે મંદીના સમયે લાગુ કરાઈ. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે એમ પણ ટ્રાન્સપોર્ટરોની સ્થિતિ ખરાબ છે. વીમો, ફિટનેસ સર્ટિફિકેટ, વાર્ષિક ટેક્સ અને પીયુસી સહિતના ચાર્જ પણ ભરી દેવાયા છે, એનું શું..!! એક કે બે ગાડીઓ ઉપર ધંધો કરનારા લોકો કેવી રીતે ધંધો-રોજગાર કરી શકશે ? પીયુસી સર્ટીફીકેટ મેળવ્યા પછી કોઈપણ વાહનની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કે આરટીઓ દ્વારા તપાસ થતી નથી કે આ વાહન પ્રદૂષણ કરે છે કે નહીં ? PUCનો હેતુ માત્ર ડરાવવાનો લાગે છે. ત્યારે દંડ-દંડાની માનસિકતામાંથી સામાન્ય જનતાની પરેશાની ઘટાડવા સરકાર ક્યારે વિચારશે ?

ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકાર હસ્તકના 15 ટકા વાહનો ભારે પ્રદૂષણ કરે છે. એસ.ટી. નિગમની 15 ટકાથી વધુ બસો 9 લાખ કિ.મી. પુરા કરી ચુકી છે. નગરપાલિકા / મહાનગરપાલિકા અને વિવિધ વિભાગોના 25 ટકા વાહનો ભારે પ્રદૂષણ કરે છે જેમ કે પાણીના ટેન્કર, દબાણની ગાડી, કચરાની ગાડી સહિતના વાહનો વર્ષોથી રોડ ઉપર પ્રદૂષણ ફેલાવી રહી છે. જળ-વાયુ પ્રદૂષણ રોકવામાં નિષ્ફળ ભાજપા સરકાર નવી નવી નિતિ જાહેર કરે છે પણ હકીકતમાં સૌથી વધુ કુદરતી સંશાધનોનું ગેરકાયદેસર દોહન ભાજપ સરકારમાં થઈ રહ્યું છે.

સામાન્ય અને મધ્યમવર્ગે સંઘર્ષ કરીને સપનાની એક નાની ગાડી પરીવાર માટે ખરીદી હોય અને તેને 15 વર્ષ પુરા થઈ જાય તો શું સ્કેપ કરી દેવાની ? 75 વર્ષ જુના સી પ્લેન અંગે પણ ભાજપ સરકાર – કેન્દ્ર સરકાર કેમ ચૂપ છે ? અલંગ શીપબ્રેકીંગયાર્ડમાં શ્રમિકોની સ્થિતિ અતિ ખરાબ, ભાજપ સરકારની છેલ્લા 15 વર્ષની નીતિના કારણે હાલત કફોડી છે ત્યારે, મંદી-મોંઘવારી અને મહામારીમાં સપડાયેલ સામાન્ય – મધ્યમવર્ગના નાગરિકોને રાહત મળે તે વિચારવાને બદલે ભાજપ સરકાર સીમીત લોકોના લાભાર્થે નિતિઓ જાહેર કરી રહી છે.

અગાઉના એમ.ઓ.યુ.માં મૂડીરોકાણ અને રોજગારના મોટા મોટા દાવાની જેમ આ વખતે પણ મહાત્મા મંદિરથી એવા જ મૂડીરોકાણ અને રોજગારના આંકડાનું ગુલાબી ચિત્ર જાહેર કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું છે.

(9:51 pm IST)