Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં કલગામ ખાતે રાજ્‍યકક્ષાના ૭૨મા વન મહોત્‍સવ ઉજવણી :મુખ્યમંત્રીના હસ્‍તે ‘મારૂતિનંદન વન'નું લોકાર્પણ કરાશે

૩૮ બિનસરકારી સંસ્‍થાઓને પ્રશસ્‍તિપત્ર, ૩ વ્‍યક્‍તિઓને વનપંડિત પુરસ્‍કાર તેમજ ૩ ગ્રામ પંચાયત અને ૩ તાલુકા પંચાયતને વૃક્ષો દ્વારા મળેલી આવકના ચેક વિતરણ કરાશે

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે તા.૧૪/૦૮/૨૦૨૧ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ૭૨મા રાજ્‍યકક્ષાના વન મહોત્‍સવનો કાર્યક્રમ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્‍યક્ષતામાં યોજાશે. આ ઉજવણીના ભાગરૂપે કલગામ ખાતે વન વિભાગ દ્વારા નવનિર્મિત ‘મારૂતિનંદન વન' ૨૧મા સાંસ્‍કૃતિક વનનું લોકાર્પણ મુખ્‍યમંત્રીના હસ્‍તે કરવામાં આવશે. રાજ્‍યકક્ષાના ૭રમા વન મહોત્‍સવ દરમિયાન માનનીય મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્‍તે વનીકરણ થકી લોક જાગૃતિ માટે અમૂલ્‍ય ફાળો આપનારી રાજ્‍યની ૩૮ બિન સરકારી સંસ્‍થાઓને પ્રશસ્‍તિપત્ર એનાયત કરવામાં આવનાર છે. સ્‍વપ્રયત્‍નો થકી વનીકરણ દ્વારા લોક જાગૃતિ લાવનારા એવા ૩ વ્‍યક્‍તિઓને વન પંડિત પુરસ્‍કારથી સત્‍કાર કરવામાં આવશે. રાજ્‍ય કક્ષાના આ કાર્યક્રમ દરમિયાન ૩ ગ્રામ પંચાયત અને ૩ તાલુકા પંચાયતને વૃક્ષો દ્વારા મળેલી આવક રૂ. ૧.૯૧ કરોડ નો ચેક આપવામાં આવનાર છે

આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળ કલ્‍યાણ વિભાગના મંત્રી ગણપણસિંહ વસાવા તેમજ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર ઉપસ્‍થિત રહેશે.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા અધિક મુખ્‍ય અગ્ર સચિવ અરૂણકુમાર સોલંકી તેમજ અગ્ર મુખ્‍ય વન સંરક્ષક ડો. દિનેશકુમાર શર્મા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના સ્‍થાપના કાળથી રાજયસ્‍તરીય વનમહોત્‍સવ રાજયના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો પરંતુ આપણા દીર્ઘ દૃષ્‍ટા વડાપ્રધાન અને રાજયના તત્‍કાલિન મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીએ રાજયસ્‍તરીય વનમહોત્‍સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતાં રાજયના ઐતિહાસિક, સાંસ્‍કૃતિક અને ધાર્મિક દૃષ્‍ટિએ અગત્‍યતા ધરાવતા રાજયના જુદા - જુદા સ્‍થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરી હતી. ઉજવણી સ્‍થળે ‘સાંસ્‍કૃતિક વન' સ્‍થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ કરી હતી. આ પરંપરાને આગળ લઈ જતાં ૨૦૨૦ સુધીમાં કુલ ૨૦ સાંસ્‍કૃતિક વનની સ્‍થાપના કરવામાં આવી છે.
જે અંતર્ગત ૭૨મા રાજ્‍યકક્ષાના વન મહોત્‍સવ અંતર્ગત ગુજરાત રાજ્‍ય વન વિભાગ દ્વારા ૨૧મો સાંસ્‍કૃતિક વન ‘મારૂતિ નંદનવન' કુલ હેક્‍ટર વિસ્‍તારમાં વિકસિત કરવામાં આવી રહયો છે. આ વન કલગામ ખાતે આવેલા હનુમાનજીના મંદિરની નજીક છે. જેથી આ વન હનુમાનજીને સમર્પિત કરવામાં આવ્‍યું છે. આ મંદિર પૌરાણિક હોવાથી, શ્રાવણ માસ દરમિયાન હજારો શ્રધ્‍ધાળુઓ મુલાકાત લેતા હોય છે. આ વન મહોત્‍સવ દરમિયાન આ વનમાં અત્‍યાર સુધીમાં ૫૧ હજાર જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે અને પૂર્ણ થયેથી આ વનમાં ૧ લાખથી વધુ રોપાઓનું ઉછેર થશે.
‘મારૂતિનંદન વન' થકી વન સંરક્ષણ અને સંવર્ધનમાં લોકોની ભાગીદારી, વિદ્યાર્થીઓ માટે વનસ્‍પતિ વિજ્ઞાન માટેનું સ્‍થળ, લોકોની ધાર્મિક અને સાંસ્‍કૃતિક ભાવનાઓનું સન્‍માનના હેતુઓ સિધ્‍ધ થવાની સાથે કોરોનાકાળમાં આ વન પ્રાકૃતિક ઓક્‍સિજનનાસ્ત્રોત રૂપે કામ કરશે.
ગુજરાત રાજ્‍ય વન વિભાગ દ્વારા ૭૨મા વન મહોત્‍સવ દરમિયાન રાજયની તમામ ૮ મહાનગરપાલિકાઓ, તમામ ૩૩ જિલ્લાઓમાં એકી સાથે એક જ દિવસે જિલ્લા કક્ષાના વનમહોત્‍સવની ઉજવણીના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે.

 

(9:43 pm IST)