Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વલસાડ હાઇવે પરથી ડીઝલ ચોરતી ગેંગનો પર્દાફાશ કરતી ક્રાઇમ બ્રાંચ

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા આકરા પાણીએ ડીઝલ ચોરી કરનારની ખેર નથી:આ ગેંગ હાઇવે પર ઊભી રહેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરી બારડોલીના બાજીપુરામાં રહેતા રામલાલને ડીઝલ વેચતી હતી

 (કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ નજીકના ધમડાચી હાઇવે પરથી એલસીબી પોલીસે બાતમી આધારે ટ્રકમાંથી ડીઝલ ચોરી કરી લઇ જતાં એકની ધરપકડ કરી છે. અને એમની પાસેથી રૂ. ૧.૬૯ લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. જ્યારે ૪ ને વોન્ટેડ જાહેર કર્યા છે.
 પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાઇવે ઉપર ડીઝલ ચોરી કરતી ટોળકી સક્રિય છે. વલસાડ એલસીબી પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા ત્યારે હાઇવે ઉપર ટ્રકમાં ગેરકાયદેસર ડીઝલ ચોરી કરીને લઇ જવાના હોવાની બાતમી મળતાં બાતમી આધારે એલસીબી પોલીસે વલસાડ નજીક ડુંગરી સોનવાડા હાઇવે પર મુંબઈથી સુરત તરફ જવાના માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. બાતમીવાળો ટ્રક (નં. એમ પી ૦૯ એચ જી ૧૭૧૪) આવતા પોલીસે અટકાવ્યો હતો. આ ટ્રકમાં બેસેલ ૫ જણા ભાગવા લાગ્યા હતા. જેમાં પોલીસે ૧ ની ધરપકડ કરી હતી. એનું નામ પુછતા એમપીમાં રહેતો મોહમ્મદ હુસેનખાન મન્સૂરી જણાવ્યું હતું. ટ્રકમાંથી પોલીસે ૫૧ કેરબા ડીઝલ જેની કિંમત રૂ. ૧,૬૯,૫૭૫ જપ્ત કર્યો હતો. આ ડીઝલ હાઇવે પરથી ૧૦ થી ૧૨ ટ્રકોમાંથી ચોરી કરીને બાજીપુરામાં રહેતો રામલાલને આપવા જવાનું હતું.   આ ટોળકી ધરમપુર ચાર રસ્તા ઉપર ટ્રકમાંથી  ડીઝલ ચોરી કરતી હતી. જે પૈકીની એક ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઈ હતી. તે ગુનો પણ પોલીસે ડિટેક્ટ કરી દીધો છે. ભાગી છુટેલા આરોપીઓ એમપીમાં રહેતા આબિદખાન રફીકખાન, પરવેજખાન રફીકખાન, જાવેદ જાકીર મન્સૂરી, વિનોદ પરમારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે

(8:54 pm IST)