Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વલસાડની કોન્વેન્ટ સ્કૂલનાં વિધાર્થીઓને ધો.11માં પ્રવેશ નહીં આપતા વાલીઓની હાલત કફોડી

કોન્વેન્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળતા વાલીઓએ સ્કૂલના કમ્પાઉન્ડમાં જ હોબાળો કર્યો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડની કોન્વેન્ટ હાઇસ્કૂલનાં પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને ધોરણ 11 માં પ્રવેશ ના આપતા સ્કૂલનાં કમ્પાઉન્ડમાં જ વાલીઓએ હોબાળો કર્યો હતો. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીને વાલીઓએ એડમિશન મળે તે માટે લેખિત રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.

  વલસાડના ધરમપુર રોડ પર આવેલી કોન્વેન્ટ હાઇસ્કૂલમાં ભણતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પાસ થયા બાદ ધોરણ 11 એડમિશન માટે  વાલીઓ શાળામાં ગયા હતા. જો કે કોન્વેન્ટ શાળાના પ્રિન્સિપાલે ધોરણ 10 માં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી હોવાના પગલે ધોરણ 11 માં પ્રવેશ નહીં આપતા આજરોજ  કેટલાક વાલીઓને શહેરની અન્ય શાળામાં  એડમિશન લેવા જણાવ્યું હતું. એડમિશન માટે વિદ્યાર્થીઓના વાલીઓ શહેરની અન્ય શાળામાં ગયા હતા.

 જોકે બીજી શાળાના સંચાલકોએ જણાવ્યું કે પહેલા અમારી શાળાના વિદ્યાર્થીઓને  પ્રથમ એડમિશન અપાયા બાદમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે. એમ કહેતા જ વાલીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.  કોન્વેન્ટ સ્કૂલમાં વિદ્યાર્થીઓને એડમિશન નહીં મળતા વાલીઓએ સ્કૂલના કમ્પાઉન્ડમાં જ હોબાળો કર્યો હતો. જેને લઇને પોલીસ પણ દોડી આવી હતી. જો કે આ મામલે વાલીઓએ કોન્વેન્ટ સ્કૂલ સંચાલકને  રજૂઆત કરતા બે - ત્રણ દિવસમાં એડમિશન આપવા માટે જણાવ્યું હતું. વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ધોરણ ૧૧માં પ્રવેશ નહિ આપતા વાલીઓની હાલત કફોડી બની ગઈ હતી. વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીના પણ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.

(8:41 pm IST)