Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

એમ.ફાર્મ અને એમ.ટેકના નવા કોર્સની માન્યતા મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની જીટીયુ

ઈન્ડસ્ટ્રીઝની માંગને આધારીત રોજગારી મેળવવા આ પ્રકારના કોર્સ વિશેષ રીતે મદદરૂપ થશે

અમદાવાદ : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે હરહંમેશ પહેલ કરીને ગુજરાતના શૈક્ષણિક જગતમાં વિવિધ ક્ષેત્રે સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ જીટીયુની કાર્યપ્રણાલીને બિરદાવીને ફાર્મસી કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (પીસીઆઈ) અને ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા અનુક્રમે એમ.ફાર્મ ઈન ફાયટો ફાર્મસી એન્ડ ફાયટો મેડીસીન અને એમ. ટેક ઈન બાયો ટેક્નોલોજી કોર્સની માન્યતા આપવામાં આવી છે.

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે  જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીઝની માંગને આધારીત રોજગારી મેળવવા માટે આ પ્રકારના કોર્સ વિશેષ રીતે મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને પણ વેગ પૂરો પાડશે. જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી છે. જેને પીસીઆઈ અને એઆઈસીટીઈ દ્વારા આ બંન્ને કોર્સની માન્યતા આપવામાં આવી છે. જેનાથી વિદ્યાર્થીઓ ફાર્મસી ક્ષેત્રે સંકળાયેલ ફાયટો થેરાપીમાં આગળ વધી શકશે.

બેચલર ઈન ફાર્મસી કરેલા વિદ્યાર્થી આ કોર્સ માટે અરજી કરી શકશે. વિશ્વ આખુ આયુર્વેદને અનુસરે છે, ત્યારે રોજગારી સંદર્ભે જોવા જઈએ તો આ કોર્સ થકી વિદ્યાર્થીઓ હર્બલ મેડીસીન બાબતે વિવિધ રીસર્ચ કરીને આયુર્વેદીક દવાઓ અને વિવિઘ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં યોગદાન પૂરૂં પાડીને આત્મનિર્ભર બની શકે છે. જ્યારે એઆઈસીટીઈ દ્વારા એમ. ટેક ઈન બાયો ટેક્નોલોજીકલ કોર્સ માટે માન્યતા આપવામાં આવી છે.

ટેક્નિકલ અને ફાર્મસી કોર્સમાં ગ્રેજ્યુએશન તથા લાઈફ સાયન્સના સમકક્ષ કોર્સમાં માસ્ટર્સ ડિગ્રી કરેલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. એકેડેમીક ક્ષેત્રે વિવિધ યુનિવર્સિટીમાં તેમજ વિવિધ લેબોરેટરીમાં પણ વિદ્યાર્થીઓને રોજગારની ઉત્તમ તકો રહેલી છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી અને ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જીનિયરીંગ ખાતે અનુક્રમે 10 અને 18 સીટ પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

(6:50 pm IST)