Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

વડોદરાના વાડી વિસ્તારમાં નવજાત શિશુને તરછોડી ગયેલ શખ્સને ઝડપવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

વડોદરા:અઠવાડિયામાં બીજી વખત વાડી સંતકબીરરોડ પર અજાણ્યો વ્યક્તિ નવજાત શિશુને તરછોડીને જતો રહ્યો હતો.વાડી પોલીસ  હજીસુધી કોઇ આરોપીને પકડી શકી નથી.પોલીસે આજના બનાવના સીસીટીવી ફૂટેજ લીધા છે.જેમાં બરાનપુરા તરફથી બાઇક લઇને આવતો આરોપી નવજાત શિશુને છોડીને જતો દેખાય છે.

ગત સપ્તાહે વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સંતકબીર રોડ પર કચરા પેટી પાસે કોઇ વ્યક્તિ નવજાત શિશુને ત્યજીને જતો રહ્યો હતો.જે અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે પણ અજાણ્યો વ્યક્તિ સંતકબીર રોડ,જી.ઇ.બી.ઓફિસની  પાસે આવે છે.અંદાજે પાંચ મિનિટ સુધી તે ત્યાં ઉભો રહે છે.અને પછી કચરા  પેટી પાસેથી કાગળ ઉઠાવે છે.અને તેમાં શિશુને લપેટીને મુકીને જતો રહે છે.સવારે છ વાગ્યે નજીકમાં ચાની લારી ચલાવતા નવિનભાઇ માછીની નજર ત્યજી દીધેલા નવજાત શિશુ પર પડતા તેણે વાડી પોલીસને જાણ કરી  હતી.પોલીસે સ્થળ પર જઇ તપાસ હાથ ધરી હતી. આ સ્થળેથી થોડે અંતરે  રહેતા કિન્નરના ઘરની બહાર લગાડેલા સીસીટીવી  ફૂટેજની ચકાસણી કરતા તેમાં એક શખ્સ બરાનપુરા તરફથી આવતો જણાય છે.અને તે કચરાપેટી પાસે નવજાત શિશુને છોડીને જતો રહે છે.

(5:12 pm IST)