Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

દહેગામ તાલુકાના સાણોદા ગામે આરોગ્ય તંત્રની લાપરવાહી સામે આવી:બિલ્ડિંગની હાલત ખંડેરમાં ફેરવાઈ

દહેગામદહેગામ તાલુકાના સાણોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઘોર બેદરકારી સામે આવી છે. આરોગ્ય તંત્રની લાપરવાહી અને  પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની મનમાનીને કારણે સારવાર અર્થે આવતા દર્દીઓની હાલત દયનિય બની છે. નવીન બિલ્ડીંગની હાલત પણ ખંડેરમાં ફેરવાઈ જવાની સાથે સાથે નજીકમાં આવેલ જુના બિલ્ડીંગમાં અનેક કીંમતી દવાઓ લાભાર્થીઓ સુધી પહોંચવાના બદલે અહીં ધુળ ખાઈ રહી છે તો કેટલીક દવાઓના બોક્સ સુધ્ધા ખોલવામાં આવ્યા નથી.

આ અંગે મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના સાણોદા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી સામે આવી છે. અહીં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુના અને નવા બિલ્ડીંગની હાલ ખંડેર બની જવા પામી છે. કેમ્પસની અંદર વર્ષોથી સાફ સફાઈનો પણ અભાગ જોવા મળી રહ્યો છેઅહીં સાજા થવા આવતા દર્દીઓ પણ જાણે વધુ બીમાર પડે તેવી હાલત છે. નવા બિલ્ડીંગની બાજુમાં આવેલા જુના બિલ્ડીંગમાં અનેક દવાઓ વપરાયા વગર ધુળ ખાઈ રહી છે તો આરોગ્યનું વિવિધ સાહિત્ય પણ ઉપયોગ વગર બરબાદ થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ માટે જેની મુખ્ય જવાબદારી થાય છે તેવા મેડિકલ ઓફિસર હેડ ક્વાર્ટર પર રહેવાના બદલે અપડાઉન કરી તેમનો મોટાભાગનો સમય આમા બરબાદ કરી રહ્યા છે. જેેના લીધે આરોગ્યની વિવિધ સેવાઓ લાભાર્થીઓ સુધી પહોંચી શકતી નથી. તો અહીં ફરજ બજાવતા તબીબની સાથે સાથે અન્ય સ્ટાફ પણ અનિયમિત આવતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સ્ટાફ પણ સમયસર હાજર ન રહેતો હોવાના લીધે સારવાર માટે આવતા દર્દીઓને અનેક કિસ્સામાં સારવાર કરાવ્યા વગર પાછા ઘરે જવાની નોબત આવે છે. આમ સાણોદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબની બંક મારવાની નિતિના લીધે સંખ્યાબંધ દર્દીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તો લોકો સુધી માહિતી પહોંચાડવાના જિલ્લામાંથી આવતા સાહિત્યનો પણ સદ્ઉપયોગ કરવામાં આવતો નથી અને આ સાહિત્ય પણ જુના બિલ્ડીંગમાં ધુળ ખાઈ રહેલ જોવા મળે છે. બીજી તરફ મેડિકલ ઓફિસર રાત્રે હેડ ક્વાર્ટર પર હાજર રહેવાના બદલે મોટા શહેરમાંથી અપડાઉન કરતા હોવાના લીધે રાત્રે ઈમરજન્સી સેવાથી લોકોને વંચિત રહેવાની નોબત આવે છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને પણ સ્થાનિકો દ્વારા રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગ્રામ્ય વિસ્તારોમાં સારી આરોગ્ય સેવાઓ પુરી પાડવા આરોગ્ય વિભાગ લાખો રુપિયા ખર્ચી રહ્યું હોવા છતાં આવા સરકારી બાબુઓના કારણે આ ખર્ચેલા નાણાં પાણીમાં વહી જવા પામે છે.

(5:01 pm IST)