Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

અપરાધીઓ વિરૂધ્ધ કાનૂની જંગ ખેલવા જ્યારે એક પોલીસ ઓફિસર અને એક સરકારી વકીલે મેળવી અદભૂત સફળતા : રસપ્રદ કથા

જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ભાવનગર પંથકમાં ફરજ બજાવાતા હતા તેવા સમયે મુખ્ય સરકારી વકીલ સાથે લોકોમાં કાયદો વ્યવસ્થા જાળવવા સાથે કાનૂન પ્રત્યે લોકોમાં વિશેષ શ્રદ્ધા જાગે તે માટે કરેલ પ્રયત્નોથી ગુનેગારો હજુ પણ સાણસામાં આવી જાય છે

રાજકોટ તા.૧૩, અપરાધીઓને પૂરતા પુરાવાઓ એકઠા કરી અને તેમને સજા થાય અને સામાન્ય લોકોમાં કાયદો વ્યવસ્થા અને કાનૂનમાં વિશેષ શ્રદ્ધા જાગે તેવું કાર્ય ભાવનગરની જિલ્લાની ફરજ દરમિયાન કરનાર જૂનાગઢના હાલના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા અને મુખ્ય સરકારી વકીલ શ્રી દેવ મુરારીના ખરા દિલથી કરેલા પ્રયાસો રંગ લાવ્યા છે અને ૨૦૧૨ ની સાલમાં થયેલ રાયોટિંગ અને ખૂની હુમલા કેસમાં ૪ આરોપીઓને સજા થયેલ છે. 

સને ૨૦૧૨ની સાલમાં ભાવનગરના વિઠલવાડી વિસ્તારમાં થયેલ ખુની હુમલા તથા રાયોટીંગના કેસમાં તાજેતરમાં ભાવનગર કોર્ટ દ્વારા ચાર આરોપીઓને સજા થયેલ છે. સને ૨૦૧૨ની સાલમાં તા.૧૯.૦૬.૨૦૧૨ ના રોજ સાંજના સમયે વિઠ્ઠલવાડી, મેપાભાઇના ઢોરા ઉપર સરકારી શાળાની દિવાલ પાસે ફરી ભાવિન ઉર્ફે જુલી હર્ષદભાઇ ડાભી તથા તેના મિત્રો ઉપર આરોપીઓ રાજુ બાલા કોળી, વિમલ રાજુ કોળી, બાવકો રાજુ કોળી,  સમીર વલ્લભ કોળી, રાજુ બાબુ વેગડ, હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ ગોહીલ, એક બાળ આરોપી સહિત આરોપીઓ બે મોટરસાયકલ ઉપર આવી તલવાર, છરી, પાઇપ જેવા જીવલેણ હથીયારો વડે ખુની હુમલો કરવામાં આવેલ હતો. આ કેસ ભાવનગરની નામદાર સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલશ્રી વિપુલભાઇ દેવમુરારી દ્વારા ધારદાર દલીલો કરવામાં આવતા, દલીલો અને રજુ કરવામાં આવેલ પુરાવાઓ આધારે ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજશ્રી આર.ટી. વાછાણીએ આ ગુન્હાના આરોપીઓ પૈકિ આરોપીઓ (૧) રાજેશભાઇ  ઉર્ફે રાજુ બાલાભાઇ સોલંકી, (૨) હરેન્દ્રસિંહ ઉર્ફે શ્યામ વિક્રમસિંહ ગોહીલ (૩) રાજુભાઇ બાબુભાઇ વેગડ તથા (૪) વિમલ ઉર્ફે લાલો રાજુભાઇ વેગડ સહિતના ચારેય આરોપીઓને ખુનની કોશીષના ગુન્હામાં દસ દસ વર્ષની સખત કેદની સજા તથા દરેક આરોપીઓને રૂ.૭ હજારની દંડની સજાનો હુકમ ફરવામાં આવેલ છે.

ભાવનગર જીલ્લાની તેઓની ફરજ દરમિયાન ચર્ચાસ્પદ ભુપત નારણ આંગડીયા ગેંગ કે જેને ભાવનગર પોલીસ દ્વારા પકડી અને સમગ્ર ગુજરાતના સુરત, પાલનપુર, ભાવનગર સહિતના શહેરોમાં થયેલ લાખો રૂપિયાની આંગડીયા પેઢીની લુંટ અને લુંટ વિથ મર્ડરના ગુન્હાઓ ડિટેકટ થયેલ હતા. આ લુટ કરતી ગેંગને પણ ભાવનગર આંગડીયા લુંટના ગુન્હામાં સજા અપાવવામાં સફળતા મળેલ હતી. ઉપરાંત ૧૯.૦૨.૨૦૧૨ના રોજ ભરતભાઇ હિરાભાઇ બારડ ઉ.વ.૪૨ રહે ભરતનગર ભાવનગરનું સરકારી હાટ ખાતે થયેલના ખુન કેસની તપાસ પણ તેઓ દ્વારા કરવામાં આવેલ હતી અને આ કેસમાં પણ આરોપીઓને સજા અપાવવામાં સફળ રહયા હતા. ઉપરાંત પાલીતાણા ટાઉનમાં તા.૧૩.૦૫.૨૦૧૩ ના રોજ ઉર્મિલાબેન રમેશભાઇ ભેડા નામની યુવતીના ખુનના ગુન્હાબાદ હોબાળો થયેલ અને આ ગુન્હાની તપાસ પણ તત્કાલીન પાલીતાણા પીઆઇ અને હાલના જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ સાંભળેલ અને આ ગુન્હામાં પણ યોગ્ય તપાસની ખાત્રી આપ્યા બાદ આરોપી શબ્બીર મહમદભાઇ મેતર રહે. પાલીતાણાને આજીવન કેદની સજાના અંજામ સુધી પહોંચાડેલ હતો.

(12:45 pm IST)