Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

જ્વેલરી કંપની સામે કાર્યવાહીની પિટિશન ફગાવાઇ

IT અધિકારીને પૂર્ણ થયેલી આકારણી ફરી ઓપન કરવાની સત્તા : હાઇકોર્ટ

અગાઉની આકારણી સમયે અપાયેલી વિગતો બોગસ હોવાનું બહાર આવે તો ઇન્કમટેકસને કાર્યવાહીનો અધિકાર

અમદાવાદ તા. ૧૪ : ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું છે કે વેપારી દ્વારા અગાઉ અપાયેલી માહિતી બોગસ અને ખોટી હોવાનું બહાર આવે તો ઇન્કમ ટેકસ વિભાગના આકારણી અધિકારી (એસેસિંગ ઓફિસર)ને પૂર્ણ થયેલી આકારણી ફરી ઓપન કરી કાર્યવાહી હાથ ધરવાની સત્તા છે. ૨૦૧૨-૧૩ના વર્ષી આકારણીના રિ-ઓપનિંગ સામે કંપનીએ કરેલી પિટિશન ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે.

ગુજરાતમાં જવેલરી, બુલિયન ટ્રેડિંગ,, ગોલ્ડ-સિલ્વર રિફાઇનરી તેમજ વિન્ડમિલ ઉદ્યોગ સાથે જોડાયેલી ઝવેરી એન્ડ કંપનીએ વર્ષ ૨૦૧૨-૧૩માં રિટર્ન ફાઇલ કર્યુ હતું અને થોડાં સમય બાદ સુધારેલું રિટર્ન ફાઇલ કર્યુ હતું. ૨૦૧૯માં પકડાયેલા જીગ્નેશ શાહ અને સંજય શાહના પેની સ્ટોક કૌભાંડની તપાસમાં આવ્યું હતું કે આ કંપની પણ પેની સ્ટોકની એન્ટ્રી સાથે જોડાયેલી છે અને તેઓ ધ્વનિ કેમિકલ્સ લિમિટેડ અને વેરોનિકા પ્રોડકશન લિમિટેડના પેની સ્ટોકના ટ્રાન્ઝેકશનનો હિસ્સો હતા. જેથી કંપનીએ ૨૦૧૧-૧૩ની આકારણી દરમિયાન અમુક રકમ અને ટ્રાન્ઝેકશન છૂપાવ્યા હોવાની આશંકાના આધારે ઇન્કમટેકસ વિભાગે ૨૦૧૧-૧૩ની આકારણી ફરી ઓપન કરવાનો નોટિસ પાઠવી હતી.

જેની સામે કંપનીએ હાઇકોર્ટમાં પિટિશન કરી રાહત માગી હતી. જેમાં જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી અને જસ્ટિસ એ.સી. જોશીની ખંડપીઠે નોંધ્યું છે કે કાયદા પ્રમાણે ઇન્કમટેકસ વિભાગના આકારણી અધિકારીને સત્તા છે કે તેમને લાગે લે અગાઉ પૂર્ણ થયેલી આકારણી ખોટી કે બોગસ હતી તો તેને ફરી ઓપન કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જેથી આ પિટિશન ફગાવવામાં આવી છે.

(10:07 am IST)