Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

હવે અમદાવાદીઓ તુર્કીશ લીંબુના રસની મજા માણશે:સાઉથના લીંબુ ખૂટી પડ્યા તો તુર્કીથી કરાશે આયાત

.દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી

અમદાવાદ:એક મહિના પહેલા થયેલા લીંબુના ભાવ વધારા બાદ હવે માર્કેટમાં ભાવમાં કડાકો જોવા મળી રહ્યો છે. હાલમાં હોલસેલ માર્કેટમાં 70 રૂપિયે કિલો અને રીટેલ માર્કેટમાં 100 રૂપિયે કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. ત્યારે હવે અમદાવાદીઓ તુર્કીશ લીંબુના રસની મજા માણશે.દક્ષિણ ભારતના કેટલા રાજ્યમાં વાવાઝોડા અને વરસાદને કારણે ગુજરાતમાં લીંબુની આવક ઘટી છે. બીજી તરફ તુર્કીમાં પણ લીંબુનો પુષ્કળ માત્રામાં થવાથી ત્યાં લીંબુના ભાવમાં મોટો ઘટાડો થયો છે. જેથી ગુજરાતમાં તેની આયાત કરવામાં આવી છે.

હોલસેલ વેપારીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, પહેલીવાર આ પ્રકારે લીંબુના ભાવ અને આવકની પરિસ્થિતિ વચ્ચે લીંબુની તુર્કીથી આયાત કરવામાં આવી હોય. તુર્કીથી 1 લાખ 15 હજાર કિલો લીંબુનો જથ્થો 5 કન્ટેનર મારફતે મુંબઈ લાવવામાં આવ્યો છે. જે આવતીકાલ સુધી અમદાવાદ ખાતે આવી પહોંચશે. તુર્કીમાં પુષ્કળ માત્રામાં લીંબુનો પાક થયો છે અને ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં ભાવ નથી મળી રહ્યા. બીજી તરફ ગુજરાતમાં લીંબુની આવક ઓછી થઈ રહી છે અને ભાવમાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં વેપારીઓ દ્વારા તુર્કીથી લીંબુ મંગાવવામાં આવી રહ્યા છે.

તુર્કીના લીંબુની વિશેષતાની વાત કરવામાં આવે તો 1 લીંબુનું વજન 100 ગ્રામ જેટલું થાય છે. જેની સરખામણીએ સ્થાનિક લીંબુનું વજન સરેરાશ 25- 35 ગ્રામ જેટલું હોય છે. મોટો આકાર ધરાવતા લીંબુ હોવાથી રસદાર પણ હોય છે. 90 રૂપિયા કિલોના ભાવથી લીંબુ તુર્કીથી ભારતમાં આયાત કરવામાં આવ્યાં છે. અમદાવાદ સહિત ગુજરાતમાં હોલસેલ માર્કેટમાં 15-20 દિવસ અગાઉ લીંબુનો ભાવ રૂ. 150-200 પ્રતિ હતો. રમજાન અને ચૈત્રી નવરાત્રિ બાદ લીંબુની માગમાં આંશિક ઘટાડો થયો અને ભાવ 50-100 સુધી પહોંચ્યો છે.

સામાન્ય રીતે અમદાવાદમાં આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકથી લીંબુ આવતા હોય છે. પરંતુ દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને વરસાદને કારણે લીંબુની આવક ઘટી છે. અગાઉ સપ્તાહ પહેલા દૈનિક લીંબુની 20 જેટલી ગાડીઓ આવતી, તેની સામે હવે 3-4 ગાડી આવી રહી છે. જેથી ફરી હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવ 80-130 કિલો જોવા મળી શકે છે. આ પરિસ્થિતિમાં વિદેશથી આવતા લીંબુ માંગને પહોંચી વળવા માટે અસરકારક સાબિત થશે.

(7:51 pm IST)